પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 


અપૂર્વ સાહિત્ય સાથે તેમના અનુભવપૂર્ણ જીવનનો લાભ મળ્યા કરે. તેઓએ આજ સુધી કોઈના ઉપર આધાર રાખ્યો નથી, સ્વતંત્ર જીવન ગાળ્યું છે ને હવે ઉત્તરાવસ્થામાં કોઈના ઉપર અવલંબન રાખવું ન પડે એ હેતુથી આમ કરવું જોઈએ.

કે. લાલે પોતાને આવેલો આ વિચાર ત્યાં રહેતા સૌને કહી સંભળાવ્યો. એમાં મહંતશ્રી શાન્તિદાસજી પણ હતા. સૌને આ વિચાર ખૂબજ ગમ્યો પણ સૌ જયભિખ્ખુની સ્વમાની સ્વભાવવાળી પ્રકૃતિથી પરિચિત હતા એટલે આ વાત એમની પાસે કરવાની હિંમત કોઈ કરી શક્યું નહીં. છેવટે શાન્તિદાસજીએ પહેલ કરી. એમણે જયભિખ્ખુને આ વાત કરી ત્યારે સૌપ્રથમ તો વાત સાંભળીને જયભિખ્ખુ ડઘાઈ જ ગયા. છેવટે કહ્યું. “મેં કદી સરસ્વતીને વેચી નથી અને લક્ષ્મીની ઉપાસના કરી નથી. મને માન આપવા કરતાં માતા સરસ્વતીને માન આપો.” એમની આ વાત સાંભળીને કે. લાલને પણ લાગ્યું કે એક એવી સંસ્થા ઊભી કરવી જોઈએ કે જે પ્રજાને જ્ઞાન અને સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ આપ્યા કરે. આ સંસ્થા સાથે જયભિખ્ખનું નામ પણ જોડી દઈએ. અને એ રીતે ‘જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ’ની સ્થાપના થઈ. આ ટ્રસ્ટ દ્વારા જયભિખ્ખુને પ્રિય એવા લોકકોળવણી અને સ્ત્રી બાળકોની કેળવણીમાં સહાયભૂત થઈ શકે તેવા પ્રેરક અને રાષ્ટ્રહિતની દૃષ્ટિવાળા સાહિત્યનું પ્રકાશન કરવામાં આવે એમાં નવોદિત સાહિત્યકારોને પ્રેરણા આપવા માટે ઇનામો, પારિતોષિકો, ચંદ્રકો વગેરે આપવાની યોજના દાખલ કરવામાં આવે; ગુજરાતી ભાષામાં ઊંચી ગુણવત્તા સાથે યુનિવર્સિટી અથવા કૉલેજમાં સારાં પરિણામ દાખવનાર તેજસ્વી વિદ્યાર્થીને જયભિખ્ખુના નામ સાથે જોડાયેલ ચંદ્રક અથવા પારિતોષિક આપવાની યોજના કરવામાં આવે; સાહિત્યકારોનું સન્માન, તેઓનાં વ્યાખ્યાનો અને સાહિત્યનું પ્રદર્શન વગેરે પણ યોજવામાં આવે એવું આયોજન કર્યું.

જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં શરીર રોગોથી ઘેરાતું જતું હતું. પંદર વર્ષથી ડાયાબિટીસ હતો… પિસ્તાલીસથી પણ વધુ વર્ષથી આંખો કાચી હતી... પાંચ વર્ષથી સહેજ બ્લડપ્રેશર રહેતું હતું. છેલ્લા બે વર્ષથી કીડની પર થોડી અસર હતી. પગે સોજા પણ રહેતા હતા. કબજિયાત અને તફની તકલીફ પણ ક્યારેક થઈ આવતી. આટઆટલા રોગ હોવા છતાં તેઓ ઇચ્છાશક્તિને બળે