પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ :જીવન અને જીવનદર્શન
૧૫
 

એની પૂરી ભાળ રાખ્યા વગર રહેતી નથી, એ વાતની પ્રતીતિ જયભિખ્ખુનું જીવન કરાવે છે.

જયભિખ્ખુએ સૌથી પહેલી કૃતિ ‘ભિક્ષુ સાયલાકર’ના નામથી ઈ. સ. ૧૯૨૯માં લખી હતી. એમાં એમણે પોતાના ગુરુ વિજયધર્મસૂરિજીનું જીવનચરિત્ર આલેખ્યું હતું. એમનું પ્રારંભિક જીવન પત્રકાર તરીકે પસાર થયું હતું. વર્ષો સુધી એમની વેધક કલમે ‘જૈનજ્યોતિ’ અને ‘વિદ્યાર્થી’ સાપ્તાહિકમાં સમાજ અને આવતી કાલની આશા સમા નાગરિકો માટે પોતાની તેજસ્વી કલમ દ્વારા નવા વિચારો પીરસ્યા. મુંબઈના ‘રવિવાર’ અઠવાડિકમાં એમની સંપાદકીય નોંધોએ અને વાર્તાઓએ પણ એમને આમજનતામાં લોકપ્રિય બનાવવામાં ઠીક ઠીક ફાળો આપ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના સુપ્રસિદ્ધ દૈનિક સંદેશમાં ‘ગુલાબ અને કંટક’ તથા ‘ગુજરાત સમાચાર’માં ખૂબ પ્રસિદ્ધ પામેલા ‘ઇંટ અને ઇમારત’ની કટારે જનતાની ખૂબ ચાહના મેળવી આપી છે. ‘ગુજરાત સમાચાર’ સંસ્થાના જ લોકપ્રિય બાલસાપ્તાહિક ‘ઝગમગ’માં પણ તેઓએ વર્ષો સુધી લખ્યું છે. સૌરાષ્ટ્ર ‘જયહિંદ’ અને ‘ફૂલછાબ’માં તેમ જ અન્ય સામયિકોમાં તેમની ધારાવાહી નવલકથાઓ પ્રગટ થયેલી છે. નડિયાદથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક ‘ગુજરાત ટાઈમ્સ’માં ‘ન ફૂલ ન કાંટા’ કટાર પણ વાચકો પર કામણ કરનાર નીવડી હતી.

કલમને ખોળે માથું મૂકી મા સરસ્વતી જે લૂખુંસૂકું આપે તેનાથી જીવનનિર્વાહ કરવાનો નિશ્ચય કરનાર અને એને કપરા સંજોગોની વચ્ચે પણ અડગ મનથી પાળનાર જયભિખ્ખુએ જ્યારે સાઠમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે કે. લાલની સાથે તેઓ રાજકોટમાં એક પ્રકાશક મિત્રની પુત્રીના લગ્નપ્રસંગે ગયા હતા. ત્યાં લગ્નની વચ્ચે કે. લાલના મનમાં વિચાર આવ્યો કે જયભિખ્ખુનો આ વર્ષે સાઠમા વર્ષમાં પ્રવેશ થાય છે ત્યારે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ, મિત્રોને પરિચિતોને તેમની સાહિત્યસેવાને લક્ષ્યમાં રાખીને તેમની આજીવન તપશ્ચર્યા અને ત્યાગને સન્માનીને એક થેલી અર્પણ કરવી જોઈએ. એ થેલી કમથી કમ પચાસ હજાર અને બને તો એક લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ. આ થેલી એમને અંગત રીતે આપવી, જેથી તેઓ પોતાનું જીવન સાહિત્યસેવામાં નિશ્ચિંતપણે ગાળી શકે અને જનતાને