પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નામોરીની વાત વર્ણવે છે. ‘અણનમ’ વાર્તા. અન્યને થયેલા અન્યાયને મિટાવવા બહારવટિયો બનેલો અનાચારને અટકાવી નથી શકતો ત્યારે પોતાનો પ્રાણ અર્પીને બહારવટિયાના સાચા ધર્મની રક્ષા કરે છે તો ‘રાજા તે યોગી’ વાર્તા જેના વસ્તુ ઉપરથી વાર્તાકારે નવલકથા પણ લખી છે તે ચક્રવર્તી ભરતદેવના યોગી સ્વરૂપને વર્ણવે છે.

વાઘેલા અને ખીલજી વંશના વિનાશને નજરે જોનાર, વિનાશનું નિમિત્ત બનનાર દેવળદેવીની કથા વર્ણવતી ‘દેવળદેવી’ હિંદુઓ દ્વારા થતાં હિંદુના વિનાશને વર્ણવે છે. તો ‘કડવું કહેનાર’ વાર્તામાં સેવા ખાતર સેવા કરનારને સત્ય ખાતર સત્ય બોલનાર મહારાષ્ટ્રના નરરત્ન જ્યોતિરાવ ફૂલેનું શબ્દચિત્ર જીવનચરિત્રના નાનકડા અંશની જેમ ઉપસાવ્યું છે. વાર્તામાં કથાતત્ત્વ નહીંવત્ છે, વ્યક્તિ -પરિચય જ કેન્દ્રસ્થાને છે.

ક્યારેક મૂંગા પ્રાણી માનવીને અધોગતિને માર્ગેથી સન્માર્ગે વાળવાનું નિમિત્ત બને છે એ વર્ણવતી ‘વાદળ અને વીજ’ વાર્તામાં ઝરિયાની ખઆણના કામદાર કરણની રૂપકડી પત્ની તેજબાને પોતાની જાળમાં ફસાવી એક ‘સાહેબ’ લઈ તો ગયો પણ કરણના નિમકહલાલ કૂતરાએ પોતાની જાતના ભોગે તેજબાની શાન ઠેકાણે આણી. વાર્તામાં કૂતરાની નિમકહલાલી, તેજબાનું રૂપભૂખ્યું વાસનાભર્યું સ્ત્રીત્વ અને કરણની દિલેરી સુંદર ઊપસ્યાં છે. જ્યારે ગ્રામસેવા માટે પાયાના પથ્થર બનીને મેલી વિદ્યા ને અજ્ઞાન સામે બહારવટે ચઢેલા ત્રણ ગ્રામસેવકોની વાત ‘ગ્રામસેવક’માં આલેખાઈ છે. સમાજમાંથી વહેમ, અંધશ્રદ્ધાને તોડનારા આવા ગ્રામસેવકોની આપણને જરૂર છે એ ધ્વનિ વાર્તામાંથી પ્રગટે છે.

સાચની વાત નાની હોય તો પણ પ્રકાર્પણે પણ એની જાળવણી જરૂરી છે, એ ધ્વનિને પ્રગટાવતો ‘સાચનો ભેરુ સાંઈ’માં એક પથ્થરને માટે પોતાનો પ્રાણ ભયમાં મૂકનાર એક પઠાણ ચોકીદારની વાત આવે છે તો સંગ્રહની અંતિમ વાર્તા ‘સિર દિયા, સાર ન દિયા’ ઇસ્લામ સામે યુદ્ધ ચઢનાર, સ્વધર્મના રક્ષણ કાજે સર્વસ્વ સમર્પણ કરનાર, ધર્મહિત સમાજહિત અને રાષ્ટ્રહિત માટે જાનફેસાની કરનાર ગુરુ ગોવિંદસિંહની કથા આલેખે છે.

સમગ્રતયા, સંગ્રહની વીસ વાર્તાઓમાં મહાપુરુષો, મહાવીરો ને