પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘તારે મને મારવો હોય તો માર પણ હું તો મારી માની જણી બહેનના પતિ ઉપર હાથ નહીં ઉપાડું’ કહીને ભોજાના શંકિત હૃદયને શુદ્ધ બનાવે છે. સમાજમાં માણસો કાજળ જેવા પોતાના દોષ જોવાને બદલે પ્રતિબિંબરૂપ અરીસાને દોષ દેતા હોય છે. એવા માણસોને સ્વદોષ દર્શનનો સંદેશ આપતી આ વાર્તામાં ત્રણે પાત્રોનું વર્ણન પોતપોતાની જગ્યાએ ઉચિત છે.

આધુનિક નારીને સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાના રસ્તે જતી રોકવામાં લાલબત્તી સમાન વાર્તા ‘શિવજીની જટા’માં સંસારે સરજેલા, પુરુષોએ ગોઠવેલા કાવતરાનો ભોગ બની દુઃખદર્દની ગર્તામાં ધકેલાતી નારીના વરવા પણ વાસ્તવિક રૂપને રજૂ કર્યું છે. નવા જમાનાની હવાએ બેફામ બનાવેલી સુરેખા કુટુંબની લક્ષ્મણરેખા ત્યજીને જગતઆંગણે પહોંચે છે ત્યારે ત્યાં એનો પરિચય થાય છે એના રૂપના ભૂખ્યા ગીધડાંઓ સાથેને છેવટે હારી થાકીને કુટુંબની પાંખોમાં સમાવા પાછી ફરેલી આ યુવતીને સમાજમાં સર્વત્ર બને છે એમ કુટુંબ ધિક્કારતું નથી પણ શિવજીની જટામાં ગંગા પાછી સમાય એમ પોતાનામાં સમાવી લે છે. વાર્તાનો આ અંત પ્રગતિવાદી માનસના વાર્તાકારનો પરિચય કરાવી સમાજને ઊજળા આશાવાદ તરફ દોરવાની પ્રેરણા આપે છે. સ્વછંદતા એ સંસ્કારિતા નથી, સાચી સ્વતંત્રતા તો સહન કરવામાં છે એ માનતા લેખકનો સ્વછંદતા સામેનો પ્રકોપ આવી નવી ઉપમાથી વર્ણવાય છે : ‘આ તમારી ફૂટેલી કાચની શીશી જેવી સ્વતંત્રતા’ (પૃ. ૧૭).

કર્ણજન્મના સંદર્ભમાં આજના બુદ્ધિજીવીને ગણે ઊતરે એવું અર્થઘટન લઈને આવતી વાર્તા ‘કર્ણનો જન્મ’ પૌરાણિક બીબામાં નવો વિચાર વ્યક્ત કરે છે. જૈન મહાભારતમાંથી કથાનું બીજ ઉપાડીને લેખકે એનું પ્રતિપાદન કર્યું છે કે કર્ણ કુંતીને સૂર્ય દ્વારા મળેલા વરદાનથી કુંવારી અવસ્થામાં થયેલો પુત્ર નથી, એ તો કુંતા અને પાંડુનું જ સંતાન છે પણ બંનેની કુંવારી અવસ્થાનું સંતાન. લગ્નમંત્રથી પુનિત થયા વગરની સ્ત્રી પુનિત ન કહેવાય અને એનું સંતાનરાજનું ઉત્તરાધિકારી ન લેખાય એવી હસ્તિનાપુરના શ્રાદ્ધપુરુષોની સલાહે અને સમાજ સામે કુંતિને નકલંક મોતીરૂપ બનાવવાના આગ્રહ કર્ણને નદીમાં વહાવી દીધો. વાર્તાનાં પાત્રો પુરાણના હોવા છતાં એમના વાર્તાલાપોને વાર્તાકારે આધુનિક ઢબે ગૂંથ્યા છે. પુરાણનું વાતાવરણ