પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચારિત્ર્યને આલેખે છે. પૂર્વગ્રહોથી મુક્ત ઇતિહાસ વિષેની સાચી હકીકતો જણાવતી આ વાર્તા પણ જયભિખ્ખુના ઇતિહાસજ્ઞાનની પરિચાયક છે. ‘મહત્ત્વાકાંક્ષા’, ‘હીરા-માણેક’, ‘વીર જયચંદ્ર’, ‘હમીરગઢ’, ‘સંગ્રામ’, ‘જહાંગીરી ન્યાય’ (માદરે વતન) વાર્તાઓ વતનના ભુલાયેલ ઇતિહાસનાં પાનાંઓની ગૌરવકથાઓ છે યા તો આપણી ભૂલો તરફનું ઇતિહાસલેખકનું આંગણીચૂંધણું છે. વર્તમાન માટે કંઈક બોધ આપતી આ વાર્તાઓ જયભિખ્ખુના ઇતિહાસજ્ઞાન, વતનપ્રીતિ અને વાર્તાકલાને પ્રગટ કરે છે.

જયભિખ્ખુની પૌરાણિક વાર્તાઓમાંની કેટલીક એમાંના નવીન અર્થઘટનાને કારણે ઉલ્લેખનીય બની રહે છે. ‘શકુંતલા’, ‘કામદેવની કુરબાની’, ‘કુલાભિમાન’ (ઉપવન), ‘પાણી અને આગ’ (કર લે સિંગાર), ‘કર્ણનો જન્મ’ (કાજલ અને અરીસો) જેવી વાર્તાઓ એમાંના નવીન અર્થઘટનને કારણે નોંધનીય બની છે. ‘શાપ કે વરદાન’ (પગનું ઝાંઝર) આજના સ્ત્રૈણ થતા જતા યુગ તરફ ચોટ લગાવે છે.

જયભિખ્ખુની વાર્તાઓમાં નારીજીવનની વાર્તાઓની જેવી જ નોંધનીય બની છે જૈનધર્મી કથાનકોવાળી વાર્તાઓ. ‘વીરધર્મની વાતો’ના ચાર ભાગમાં વાર્તાકારે જૈન મહાપુરુષોનાં પ્રતાપી ચરિત્રોમાંથી કથાંશો લઈ વાર્તાઓ રચી છે. વાર્તાકારે એમાં જૈનધર્મગ્રંથોમાંના કથાના મૂળ આત્માને અક્ષુણ્ણ રાખ્યો છે.

આ વાર્તાઓ આપીને જયભિખ્ખુએ જૈન કથાસાહિત્યનો જે અખૂટ ભંડાર છૂપા-ખજાનાની જેમ ભરાયેલો પડ્યો હતો એમાંથી કથારત્નોને વીણી વીણીને બહાર કાઢવાની પહેલ કરી છે. આ પછી જ સમગ્ર સાહિત્યજગતનું ધ્યાન જૈન વાર્તાસાહિત્ય તરફ ખેંચાયું. સહુ કોઈને આ સાહિત્ય તરફ અભિરુચિ જાગી. વિશ્વબંધુત્વ, વિશ્વશાંતિ તથા વિશ્વસંસ્કૃતિના વિકાસમાં જૈન ધર્મના અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ, તપ, મૈત્રી, પ્રમોદ વગેરે સિદ્ધાંતોનું કેવું ઉચ્ચ સ્થાન છે તેનો સર્વત્ર સ્વીકાર થયો.

સામાન્ય રીતે ધર્મોપદેશને મુખ્ય બનાવતી વાર્તાઓનું એક ભયસ્થાન એ છે કે જો વાર્તાકાર સજાગ ન હોય, તટસ્થ અને બિનઅંગત વલણ ધરાવતો ન હોય તો એ વાર્તામાં ઉપદેશ જ મુખ્ય બની બેસે. કલાતત્ત્વના