પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભોગે તત્ત્વબોધને કેન્દ્રિત કરતા કથાપ્રસંગો જ કૃત્રિમ ઢબે ગોઠવાઈ જાય. પણ વાર્તાકાર જયભિખ્ખુ અહીં મોટે ભાગે રચનાવિધાન અંગેના આ ભયસ્થાનથી પૂરેપૂરા સજાગ છે. ‘દેવદૂષ્ય’, ‘અમર ફૂપો’ અને ‘ભવનાટ્ય’ જેવી કૃતિઓ તો વાર્તાકારે સ્વીકારેલી કથયિતવ્યની મર્યાદાને લક્ષ્યમાં લેતાં એમની આ સિદ્ધિને સાવ નાનકડી તો ન જ ગણાવી શકાય. આમ જૈનધર્મી કથાનકો વાળી આ વાર્તાઓ માનવ સમાજને નીતિ અને ધર્મનો, પ્રેમ અને ત્યાગનો, સ્નેહ અને સ્વાપર્ણનો મંત્ર આપી આજના યુદ્ધખોર માનસને માટે પથદર્શક બની રહે છે.

સાહિત્યકારો પણ વાર્તાકારની વાર્તાના વિષય બન્યા છે. ‘બંડખોર’ (ગુલાબ અને કંટક) જર્મન સર્જક દોસ્તોવસ્કીના વ્યક્તિચિત્રને વર્ણવે છે, તો ‘કવિનો મિજાજ’ (ગુલાબ અને કંટક) ઉર્દૂના મહાન કવિ મીરના સ્વમાની સ્વભાવ અને આગવા મિજાજને વર્ણવે છે. ‘સાહિત્યકારની ખાલી ઝોળી’ (ગુલાબ અને કંટક) સાહિત્યકારની હૃદયવેદનાને શબ્દરૂપ આપે છે. શ્રી ર. વ. દેસાઈની તેજસ્વી પત્રો માટેની ટહેલ એમાં વર્ણવાઈ છે, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ (શૂલી પર સેજ હમારી) સ્ટિફનઝિવગને અને ‘અજ્ઞાત દેવનું મંદિર’ (શૂલી પર સેજ હમારી) બાણભટ્ટના જીવનની ઘટનાને નિરૂપે છે. ‘ભવરણનો સિપાહી’ (શૂલી પર સેજ હમારી) નર્મદને વાર્તાવિષય બનાવે છે.

જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિમાં ‘તેં ત્રણ ખોયા’ (મનઝરૂખો) જેવી રૂપકાત્મક વાર્તાઓ પણ છે, તો ગદ્યદેહી ઊર્મિકાવ્ય સમી વાર્તાઓ ‘વહુ’ ‘માબાપ’ (પારકા ઘરની લક્ષ્મી) આગિયાના તેજઝબકાર જેવી વિશાળ વાર્તાસૃષ્ટિને ક્યાંક આલોકિત કરી જાય છે.

જયભિખ્ખુની કેટલીક વાર્તાઓ જીવનચરિત્રાત્મક પ્રકારની પણ છે, જેમાં વાર્તાકારે સમકાલીન સમાજમાં થઈ ગયેલી કેટલીક વ્યક્તિઓનાં શબ્દચિત્રો ઉપસાવ્યાં છે. ‘ન દેન્યમ્ ન પલાયનમ્’ (કાજલ અને અરીસો) ચારુમતીબેન યોદ્ધાનું શબ્દચિત્ર આપે છે.

વાર્તાકારે ક્યાંક કોઈ મોટા સર્જકની વાર્તાનો આધાર લઈને પણ વાર્તાસર્જન કર્યું છે. ‘મમતા’ (કાજલ અને અરિસો) રવીન્દ્રનાથ ટાગોરની