પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘આંખ નાની- આંસુ મોટું’ જેવી કરુણગર્ભ વાર્તાની કલાત્મક માવજત તપાસ્યા પછી એક કટાક્ષકથાને પણ જાણી લઈએ. ‘પારકા ઘરની લક્ષ્મી’ વાર્તાસંગ્રહમાં ‘રાંડેલો મુરતિયો’ નામની વાર્તાની ધારદાર કટાક્ષશૈલી, ગયા જમાનાની સામાજિક નીતિરીતિને આલેખતી હોવા છતાં, આજેય હૃદયને હસતાં હસતાં રડાવી દે એવી પ્રભાવક રહી છે. લખા શેઠના પ્રેમાની વહુ ક્ષયરોગને કારણે મરણની ઘડીઓ ગણી રહી છે એવે ટાણે પ્રેમાને વાયદાનો માલ ગણી પોતાની દીકરીઓ પરણાવવા ઉત્સુક બનેલા પિતાઓ પ્રત્યે અહીં નર્યો કટાક્ષ છે. પ્રેમાની વહુ મરે એની વાટ જોતા લોકોની મનોવૃત્તિ મોતની અદબ પણ જાળવતી નથી. વહુ મરું મરું કરે છે, પણ મરતી નથી એનો વલોપાત સાસુ-સસરાને પણ છે. લોકોની લાલચ દીકરીઓ માટે જગ્યા ખાલી થાય એની છે. પણ જયભિખ્ખુ લખે છે :

‘પણ વહુ ખબડદાર નીકળી ! જમ સાથે પણ ખૂબ બાખડી ! દાક્તર કહેતો હતો કે સાંજ ન ભાળે, પણ એણે તો રાત પણ કાઢી નાખી ! કન્યાનાં કહેણ કહેવા આવેલાંની મૂંઝવણ વધતી જતી હતી, ઘેર ખાતાં ખાતાં પણ તેઓ બૈરાંને સૂચના આપતા કે ‘જુઓ ! પ્રાણપોક સંભળાય કે તરત નાના ચીકાને ખબર આપવા દુકાને મોકલજો ! વહુ ઘડી-બે-ઘડીની છે. કંઈ કામકાજમાં ભૂલ ન થાય ! નહિ તો બાજી બગડી જશે !’ (પૃ. પર)

આરંભના કથનમાં લોકોની મનોવૃત્તિના અનુસંધાનમાં લેખકના પ્રતિભાવ વ્યક્ત થયા અને એની સાથે સંવાદનું સાંધણ થયું છે. આમ એક જ પરિચ્છેદમાં વહુના મૃત્યુની વાત જોતાં માણસોના માનસનું સુરેખ ચિત્ર લેખકે ઉપસાવ્યું છે.

પ્રેમાની વહુના મરણ પહેલાં પોતાની દીકરી માટે પ્રેમાનું મુરતિયાનું નક્કી કરવા આવી પડેલા પોપટલાલને ‘પોપટ શેઠ, તમે ક્યાંથી ?’ – એવો પ્રશ્ન થતાં ‘હેં હેં હેં’ કરી નાખે છે, એના અનુસંધાનમાં લેખકનો કટાક્ષ જુઓ :

‘હેં હેં હેં !’ પોપટ શેઠે વાણિયાશાહી હાસ્યમાં ઉત્તર આપ્યો. મહાપ્રાણ ગણાતો હકાર હેં હેં નું રૂપ ધરી જ્યારે વણિકશ્રેષ્ઠના કંઠમાંથી નીકળે, ત્યારે તેનું સામર્થ્ય ભલભલા પ્રશ્નકારને નિરુત્તર કરી દે છે.’(૫૫)