પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગુજરાતી પ્રજામાં અભિરુચિ નથી એમ નહીં, પણ તે રૂચિને સંસ્કારવાનું કામ નાટકકાર અને રંગભૂમિ ઉભયના સંયુક્ત પ્રયાસથી થવું જોઈએ તે વર્ષોથી આપણે ત્યાં થયું નથી.

છેલ્લા પાંચ-સાત દાયકાથી આપણે ત્યાં સાહિત્યકારો અને ધંધાદારી રંગભૂમિ વચ્ચે બાપે માર્યા વેર હોય તેમ બંને એકબીજાથી વિમુખ રહ્યા છે. અને આ જ કારણે સામાન્ય લોકોને જે નાટકો જોવા મળ્યાં તે જૂની ઘરેડનાં છે અને વાંચવા મળ્યાં તે અનવીન પ્રયોગોમાં રાચતાં પશ્ચિમી પદ્ધતિનાં એકાંકીઓ, રેડિયો-રૂપકો કે વિચારગર્ભ સંવાદોવાળા લાંબાનાટકો. અવેચન રંગભૂમિના રડ્યાખડ્યા પ્રયોગો સિવાય સાહિત્યિક નાટકો તખ્તા ઉપર ભાગ્યે જ ઊતર્યા છે. આ સંજોગોમાં સામાન્ય જનતાને સાહિત્યકારો તરફથી જે નાટકો વાંચવા મળ્યાં તે સમજવા અઘરાં લાગ્યાં જ્યારે ધંધાદારી રંગભૂમિનાં કૃત્રિમ ભાવાવેશવાળાં નાટકો એમની રુચિને મોળાં લાગ્યાં. પરિણામે લોકોની નાટક વિશેની સમજ અને લેખકોની રંગભૂમિ વિષેની સૂઝ વિકસી શકી નહીં.

આ પરિસ્થિતિમાં આપણે ત્યાં છેલ્લી કેટલીક પેઢીઓ વાર્તા લખવાની પ્રવૃત્તિએ જેવો વેગ પકડ્યો છે એવો નાટક લખવાની પ્રવૃત્તિએ પકડ્યો નથી. નાટ્યલેખન મંદ રહ્યું છે. છેલ્લાં સવાસો વર્ષનો આપણો સાહિત્યનો ઇતિહાસ પણ બોલે છે કે ગુજરાતી ભાષામાં સૌથી ઓછો ખેડાયેલો કોઈ સાહિત્યપ્રકાર હોય તો તે નાટક છે. ભવાઈ, સંસ્કૃત નાટક અને અંગ્રેજી નાટકે તેને રચનાના નમુના પણ પુરા પાડ્યા છે. આમ છતાં ગુજરાતી નાટકના ખરા કસબી લેખકોની સંખ્યા આંગળીને વેઢે ગણાય એટલી પણ માંડ હશે અને ઉત્તમ પરદેશી કે પરપ્રાંતીય કૃતિઓની સાથે ઊભા રહી શકે એવા નાટકનાં પુસ્તકો બેએક ડઝનથી વધારે ભાગ્યે જ હશે. આ પરિસ્થિતિના અનુસંધાનમાં જ આપણા તેજસ્વી સર્જક અને સહૃદય વિવેચક ઉમાશંકર જોશીએ કહ્યું હતું, ‘આપણે ત્યાં ભજવાય છે એ નાટકો નથી અને નાટકો છે એ ભજવાતા નથી.’ રંગમંચ અને સાહિત્યિક નાટકો વચ્ચે જે ખાઈ હતી, એનો આ આક્રોશજન્ય પ્રત્યાઘાત નોંધપાત્ર છે.