પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મદદથી સિદ્ધરાજના મૃત્યુ પછી કેવી રીતે મેળવી તેનું ચિત્ર ઉપસાવ્યું છે. ‘મહારાણી લક્ષ્મીબાઈ’માં મર્દાની રાણી લક્ષ્મીબાઈની શૂરવીરતા ઊપસી છે તો એક ઝંડા નીચે સહુ રાજ્યોને એકત્ર કરી સુંદર અને સુદઢ રાજ અમલ સ્થાપવા માટે મથનાર રાજવીની સંઘર્ષકથા ‘મહારાજા રણજિતસિંહ’માં ચરિત્રાત્મક ઢબે આલેખાઈ છે. ઉત્તર ભારતમાંના નંદરાજાઓના રાજમાંનો ત્યાગી રાજવી ચંદ્રગુપ્ત ‘ચક્રવર્તી ચંદ્રગુપ્ત’માં આલેખાયો છે અને ‘ચાંદબીબી’ સુલતાનોના યુગના તેજસ્વી તારક તરીકે ઊપસે છે. મગધની રાજધાનીના અશોકનો ધર્મવર્ધન નામનો પુત્ર જે કાંચનમાળાની સંગીત સાધનાથી રોટલો રળતો હતો એનું ચરિત્ર ‘વીર કુણાલ’ માં અને રાજમાતા મીનળના વહીવટી રાજકારભારમાં તેજસ્વી કામગીરીનો ઇતિહાસ પૂરો પાડનાર મુંજાલનું ચરિત્ર ‘મહામંત્રી મુંજાલ’માં ઊપસ્યાં છે.

જયભિખ્ખુના સમગ્ર ચરિત્રસાહિત્યને તપાસતાં જણાય છે કે જયભિખ્ખુએ જે ચરિત્રસાહિત્ય આપ્યું છે એમાં ‘નિર્ગ્રંથ ભગવાન મહાવીર’ ‘શ્રી ચારિત્ર્યવિજયજી’ ‘ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી’ કે ‘યોગનિષ્ઠ આચાર્ય’ જેવાં બૃહત્ ચરિત્રોનું પ્રમાણ ઓછું છે. મોટે ભાગે તેઓ ‘ફૂલોની ખુશબો’ ‘ફૂલ મોસમનાં’ ‘ફૂલ વિલાયતી’ કે ‘કૂલ નવરંગ’ અને વિદ્યાર્થી વાચનમાળાની વિવિધ શ્રેણીઓમાં જોવા મળે છે એવાં ટૂંકા પણ પ્રમાણભૂત અને પ્રેરક ચરિત્રો જ વિશેષ પ્રમાણમાં આપે છે.

આવાં ચરિત્રો આપવા પાછળ ચરિત્રકારનો હેતુ ચરિત્રનાયકના જીવન દ્વારા તેનો સંદેશ કે બોધ સમાજ સમક્ષ પહોંચાડવાનો જણાય છે. જેને લેખક ‘માતૃભૂમિનું ભાગવત’ તરીકે ઓળખાવે છે, એવી વિદ્યાર્થી વાચનમાળાની શ્રેણીઓના સંદર્ભમાં તેઓ સ્થળે સ્થળે એક વાત સૂચવે છે કે કુમાર કિશોરીઓના જીવનઘડતરમાં દેશની વિભૂતિઓનાં જીવનચરિત્રોનું વાચન ખૂબ જ જરૂરી છે અને એ હેતુને સાર્થક કરવા માટે જ એમણે આ ચરિત્રો આપ્યાં છે. બાળકોના ચરિત્રઘડતરમાં આ ચરિત્રો ઉમદા ઉદાહરણ બની શકે એ વાતને ધ્યાનમાં રાખીને જ જીવનધર્મી સાહિત્યકારે આ ચરિત્રોનું સર્જન કર્યું છે.