પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૨૭
 

નવલકથાના વળતા પાણી થયાં. ઈ. સ. ૧૯૧૫ સુધી તેની અસર રહી અને તેના અનુકરણમાં ઘણી નિઃસત્ત્વ સામાજિક નવલકથાઓ લખાઈ : પણ મુનશીનો ઉદય થતાં એમની ઐતિહાસિક નવલોએ વળી પાછો ઐતિહાસિક નવલકથાનો વિજયશંખ ફૂંક્યો. ગુજરાતની અસ્મિતાને એમણે મલાવીને લલકારી. ઈ. સ. ૧૯૨૦થી ૪૦ના સમયને ‘સરસ્વતીચંદ્ર’ની લોકપ્રિયતામાં આવેલી ઓટનો સમય ગણી શકાય. ગોવર્ધનરામ ભુલાતા નથી, વખણાય છે છતાં ઓછાં વંચાય છે. શ્રી આનંદશંકર ધ્રુવે નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં (‘પરિષદ, પ્રમુખનાં ભાષણો’, પૃ. ૩૮૦-૮૧) કહ્યું હતું કે ‘આજે એ પુસ્તક વિષે બહુ બોલાતું-લખાતું નથી, કારણ કે પ્રજાની સહૃદયતા કંઈક બીજે માર્ગે વહેવા લાગી છે.’ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ કહે છે કે ‘મુનશીની તેજસ્વી નવલકથાઓનો અને ગાંધીજીની સર્વસ્પર્શી પ્રવૃત્તિઓનો સમય ઈ. સ. ૧૯૨૦થી ૧૯૪૦નો સમય ‘સરસ્વતીચંદ્ર’ની લોકપ્રિયતામાં ઓટનો સમય ગણી શકાય.’ (‘ગૌવર્ધનરામ - ચિંતક અને સર્જક’પૃ. ૭૯).

મુનશી પછી ધૂમકેતુ, ચુ. વ. શાહ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય વગેરેની નવલકથાઓ ગુજરાતી નવલકથા સાહિત્યમાં-ગણનાપાત્ર બને છે. એ બધા પર મુનશીની પ્રત્યક્ષ પરોક્ષ અસર છે. ઐતિહાસિક ઉપરાંત સામાજિક નવલકથાક્ષેત્રે નવું પ્રસ્થાન કરવાનો યશ ૨. વ. દેસાઈને ફાળે જાય છે. ‘દિવ્યચક્ષુ’, ‘કોકિલા’ જેવી કૃતિઓમાં એમણે ગુજરાતનું સમકાલીન વાતાવરણ અને સામાજિક પ્રશ્નો આલેખ્યા છે તો જાનપદી લોકહૈયાની વિવિધ મુદ્રાઓ અને છટાઓ બતાવતો મિજાજ પન્નાલાલ, પેટલીકર, પીતાંબર વગેરેમાં દેખાય છે.

ધૂમકેતુની વિવિધ વિષયની નવલોમાં ઐતિહાસિક નવલો વિશેષ નોંધપાત્ર છે. એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના સુવર્ણયુગ સમો સોલંકીયુગ ‘ચૌલાદેવી’, ‘વાચિનીદેવી’, ‘રાજકન્યા’ જેવી સોળ નવલકથાઓમાં સિલસિલાબંધ આકર્ષક રૂપે રજૂ થયો છે, તો ગણરાજ્યની પ્રેરણા આપતો ભારતના ઇતિહાસનો બીજો સુવર્ણયુગ એમની ‘આમ્રપાલી’થી શરૂ થતી ‘નગરવૈશાલી’, ‘મગધપતિ’ જેવી બાર નવલકથાઓમાં અંકિત થયો છે. આ બંને નવલકથાઓએ ગુજરાતના લોકહૃદયમાં નવલકથાકાર ધૂમકેતુને – એમની નવલિકાઓ જેટલી સફળતા એમને એમાં ન સાંપડી