પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધર્મ અને જય, કરુણા અને માંગલ્ય, સદ્ભાવ અને સુખ, પ્રેરણા અને આનંદ આ યુગ્મોએ જીવનસંઘર્ષના દ્વંદ્વ યુદ્ધોથી ઉફરા રાખી જયભિખ્ખુને આંતરબાહ્યમાં ચૈતન્યગતિનો અનુભવ કરાવ્યો છે. સંઘર્ષની પરિસ્થિતિમાં આનંદ અને આશ્વાસન આપ્યાં છે. એટલું જ નહીં પણ મરણાસન્ન પરિસ્થિતિમાંયે એમને સુખસંપન્ન રાખ્યા છે. જયભિખ્ખુના વૈવિધ્યવંતા સર્જન-થાળને તપાસીએ તો એમાં પણ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેને ‘મુદા’ તરીકે ઓળખાવે છે એવા સાહિત્યિક આનંદની સંતર્પક અનુભૂતિ થાય છે.

જયભિખ્ખુનું સાહિત્ય સંખ્યાદૃષ્ટિએ જેમ માતબર છે તેમ સત્ત્વશીલતા અને ક્ષમતાની દૃષ્ટિએ ઊંચા ગજાનું છે. ઇયત્તા અને ગુણવત્તાએ નોંધનીય એવા આ સર્જનરાશિમાં ૨૦ જેટલી ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક નવલકથાઓ, ર૧ વાર્તાસંગ્રહોમાં ૩૬૫ જેટલી વાર્તાઓ, સાતેક નાટકો, ૨૩ જેટલા ચરિત્રગ્રંથો ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળાની દશ શ્રેણીમાંનાં ટૂંકાં, પ્રેરક અને પ્રમાણભૂત એવાં વિદ્યાર્થીભોગ્ય ચરિત્રો તથા સમગ્ર સર્જનનો ત્રીજો ભાગ રોકતું બાળ, કિશોર અને પ્રૌઢ સાહિત્ય ગણનાપાત્ર બને છે. નાનાંમોટાં એવાં કુલ ૩૦૦ પુસ્તકો એમના ગ્રંથકાર તરીકેના વૈવિધ્યવંતા પાસાંઓને પ્રગટ કરતાં મળે છે એને આધારે જયભિખ્ખુના સર્જક-કલાકાર તરીકે વૈવિધ્યવંતા વ્યક્તિત્વને તપાસીએ તો જયભિખ્ખુ સૌથી ઉત્કૃષ્ટરૂપે ઊપસી આવે છે - નવલકથાકાર તથા વાર્તાકાર તરીકે.

નવલકથાકાર જયભિખ્ખુ પાસેથી ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક નવલો મળે છે. ત્રીસેક વર્ષના વિશાળ સમયપટમાં સર્જાયેલી કુલ વીશ નવલોમાંથી મોટાભાગની ઐતિહાસિક વસ્તુને વિષય તરીકે પસંદ કરીને રચાઈ છે. આ નવલોમાંથી કેટલાકમાં પુરાકાલીન ઇતિહાસ નિરૂપાયો છે, કેટલીકમાં ઈ. સ. પૂ. પાંચમી સદીથી પહેલી સદીની આસપાસનો પ્રાગૈતિહાસિક યુગ કથાનો વિષય બન્યો છે. તો ક્યાંક અગિયારથી સોળમી સદીના મુગલકાલીન અને રજપૂતી ઇતિહાસને ભૂમિકારૂપ મળ્યું છે.

જયભિખ્ખુ પહેલાં જૈન ધર્મના કથાવસ્તુને વિષય બનાવી જૈન સાધુઓ સહિત સુશીલ, મોહનલાલ ધામી, રતિલાલ દેસાઈ જેવા કેટલાકોએ લખ્યું છે ખરું પણ એમાં સર્જનાત્મકતાનો અભાવ, ગતાનુગતિક રજૂઆત, વસ્તુની