પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રમાણભૂતતાનું શૈથિલ્ય, ઉપદેશાત્મકતા તથા સાંપ્રદાયિક પરિભાષાનું પ્રાચર્ય હતાં. જયભિખ્ખુએ સૌ પ્રથમ આ કથાનકોને લોકપ્રિય-સર્વભોગ્ય રૂપે રજૂ કર્યા. તેઓએ જૈનધર્મના કથાવસ્તુ ધરાવતી નવલોમાં કથાઓમાંના મૂળભૂત જીવનવિધાયક તત્ત્વને અને માનવીય પરિબળોને વિશેષ ઉઠાવ આપ્યો. આપણા શિષ્ટ સાહિત્યમાં જૈન કથાઓનો સર્જનાત્મક ઉપયોગ કરવા તરફ જ્યારે કોઈની ખાસ નજર નહોતી ગઈ ત્યારે એ તરફ જયભિખ્ખુએ સાહિત્યજગતનું ધ્યાન દોર્યું. જૈન તત્ત્વજ્ઞાનનો ઊંડો પ્રભાવ જયભિખ્ખુના વ્યક્તિત્વ ઉપર હોવા છતાં સર્જનમાં એ ક્યાંય સાંપ્રદાયિક બન્યા નથી એ એમની ખાસ વિશેષતા છે.

જયભિખ્ખુ સાંપ્રદાયિક સર્જક નથી એ વાતની પ્રતીતિ બીજી એક હકીકતમાંથી પણ થાય છે. એમણે માત્ર જૈનધર્મને જ વિષય બનાવીને નવલો લખી નથી. એમની ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ વૈષ્ણવી ભક્તિના રૂપ- સ્વરૂપને, ‘પ્રેમાવતાર’ મહાભારત તથા ભાગવતના ધર્મતત્ત્વચિંતનને અને ‘વિક્રમાદિત્ય હેમુ’ નવલત્રયી મુસ્લિમ ધર્મસિદ્ધાંતોને વિષય બનાવી નવલો સર્જી હોય એ સર્જકને સાંપ્રદાયિક સર્જક શી રીતે કહી શકાય ?

જયભિખ્ખુની ઐતિહાસિક નવલોની વિશેષતા એ રહી છે કે એમણે પોતાની આવી નવલોમાં ઇતિહાસની બહુ પ્રસિદ્ધ ન હોય એવી વ્યક્તિઓને ઉપસાવીને કથારચનાઓ કરી છે. વિક્રમાદિત્ય હેમુ, મહર્ષિ મેતારજ, ભગવાન ઋષભદેવ, સ્થૂલિભદ્ર વગેરે આનાં ઉદાહરણો છે. સોલંકી, ચૌલુક્ય, ગુપ્તયુગ તો ઐતિહાસિક નવલકારોને હાથે ઠીક ઠીક અંશે નિરૂપાયા છે. એ બધાથી જુદા તરીને જયભિખ્ખુ હેમુ જેવા એક અલ્પપરિચિત નરવીરને કેન્દ્રમાં રાખી એની આસપાસ શેરશાહ અકબરનાં ચરિત્રોને ઉપસાવતી નવલો આપે છે.

પોતાની ઐતિહાસિક નવલોમાં જયભિખ્ખુએ ઇતિહાસને મોટે ભાગે ક્યાંય વિકૃત બનાવ્યો નથી, ઇતિહાસને તેઓ વફાદાર રહ્યા છે. ઇતિહાસના કથાવસ્તુમાં ઇતિહાસ અંગે જ્યાં જૈન અને બૌદ્ધ પરંપરા પ્રચલિત છે ત્યાં તેઓ મોટે ભાગે જૈન પરંપરાને વિશેષ અનુસર્યા છે.

ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી નવલોના પાત્રપ્રસંગઆલેખનમાં તેના