પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હોત. આમ આરંભકાલીન પ્રયત્નની કેટલીક મર્યાદાઓ એમાં હોવા છતાં આ નાટકો એક આશાસ્પદ નાટકકારનું દર્શન કરાવે છે. અલબત્ત, એક હકીકત નોંધવી રહી કે વિપુલ પ્રમાણના - નવલકથા, ટૂંકી વાર્તા અને પત્રકારત્વને લગતા - સાહિત્યસર્જનની વચ્ચે નાટ્યસર્જનના સર્જક જયભિખ્ખુને ઓછો ન્યાય મળ્યો છે. ગંગા-જમનાના મોટા પ્રવાહ તળે વહેતી સરસ્વતીના મહિમા જેવું એનું મૂલ્ય છે !

ટૂંકી વાર્તાની જેમ ચરિત્રક્ષેત્રે પણ જયભિખ્ખુનું યોગદાન માતબર પ્રકારનું છે. ત્રેવીસ જેટલા ચરિત્રગ્રંથો ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળામાં કેટલાંક બાલભોગ્ય, ટૂંકા અને પ્રેરક ચરિત્રો પણ તેઓ આપે છે. ‘ચારિત્ર્યને ને ઘડે તે ચરિત્ર’ એવા ચોક્કસ દ્રષ્ટિકોણને લઈને રચાયેલાં આ ચરિત્રો સર્જકની પ્રસંગની જમાવટની કલાથી અને રસળતી શૈલીથી આગવાં બની રહ્યાં છે. જયભિખ્ખુના સમગ્ર ચરિત્રસાહિત્યને તપાસતાં જણાય છે કે એમાં દીર્ધ ચરિત્રલેખનનું પ્રમાણ ઓછું છે. મોટે ભાગે ટૂંકા પણ પ્રમાણભૂત અને પ્રેરક ચરિત્રો જ વિશેષ પ્રમાણમાં તેઓ આપે છે. આવાં ચરિત્રો આપવા પાછળ ચિત્રકારનો હેતુ ચરિત્રનાયકના જીવન દ્વારા તેનો સંદેશ કે બોધ સમાજ સમક્ષ પહોંચાડવાનો છે. પોતાની ચરિત્રવિષયક સામગ્રી સંશોધિત કરવામાં જયભિખ્ખુ ઠીક ઠીક પરિશ્રમ ઊઠાવે છે. ઉપલબ્ધ તમામ સામગ્રીમાંથી વિવેકયુક્ત તારવણી કરી વિશ્વસનીય હકીકતો સંપાદિત કરી એને રસયુક્ત બાનીમાં તેઓ અભિવ્યક્ત કરે છે. એકંદરે એમને પોતાના ચરિત્રનાયકો તરફ સમભાવ છે પણ નિરૂપણમાં તેઓ સત્યનિષ્ઠામાંથી ચલિત થતા નથી. જીવનચરિત્રનું સાહિત્યસ્વરૂપ વિષયવસ્તુની દૃષ્ટિએ ગુંજાશ ધરાવતું વ્યક્તિત્વ હોય અને સર્જકની શૈલી સક્ષમ હોય તો ટૂંકી વાર્તા કે નવલકથા જેવું રસાળ, સચોટ અને સુરેખ બની શકે એ વાતની પ્રતીતિ જયભિખ્ખુનાં ટૂંકા ચરિત્રો કરાવે છે.

આ ઉપરાંત ચરિત્રસાહિત્યને સંપૂર્ણ સાબિત થાય એવું બાલસાહિત્ય, શૈક્ષણિક મૂલ્યોને નજર સમક્ષ રાખીને લખાયેલું કિશોરસાહિત્ય તથા એ બે બાબતોની ઇતર વિવિધ સંદર્ભોમાં જીવનસંદેશ દાખવતું પ્રૌઢસાહિત્ય એ જયભિખ્ખુની સર્જનપ્રતિભામાંથી પાંગરેલું - પ્રકીર્ણ છતાં નોંધપાત્ર સાહિત્ય