પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙ્મય
 


વિક્રમાદિત્ય હેમુ :

ઇતિહાસમાંથી તથ્યની કણીઓને ઉપાડી લઈ કલ્પનાની છાપ ઉપર મઢી ઇસુની સોળમી સદીમાં થયેલા હેમુની કથાને રજૂ કરતી વિક્રમાદિત્ય હેમુ એક કલાના સત્યના નમૂનારૂપ નવલકથા છે. બચપણમાં પાઠશાળામાં જયભિખ્ખુએ મિત્રો સાથે હેમુનો પાઠ ભજવેલો ત્યારથી હેમુ કોણ હશે એ જાણવાનું આકર્ષણ જાગેલું. લેખક થયા પછી ઇતિહાસમાં એમણે હેમુની શોધ આરંભી, ખૂબ પ્રયત્ન પછી થોડી માહિતી મળી. કોઈક ગ્રંથમાં દશેક પંક્તિ, કોઈકમાં ચારેક ને કોઈકમાં તો એકાદ પંક્તિમાં જ એનો ઉલ્લેખ એમનો મળ્યો. ‘યવનમિત્ર’ તરીકે વગોવાયેલા આ પ્રતાપી રાજવીને ગાનાર કોઈ ‘ચંદ બારોટ’ નહીં મળ્યો હોય એને પરિણામે એક તેજસ્વી તારો જે સદા વાદળછાયો રહેલો તેને સાહિત્ય અને સમાજની ભૂમિ ઉપર આલોકિત કરી આપવાનું પ્રશસ્ય કૃત્ય જયભિખ્ખુ કહ્યું અને એ અર્થમાં તેઓ વિક્રમાદિત્ય હેમુના આ અને એની અનુસંધિત નવલકથાઓમાં ચંદ બારોટ બન્યા છે. આ ગ્રંથની રચનામાં તેઓએ અનેક જૈન, મુસ્લિમ, હિન્દુ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. જેનો ઉલ્લેખ ‘વિક્રમાદિત્ય હેમુ’ની પ્રસ્તાવના બાદ નવલકથા શરૂ થતાં પહેલાં તેમણે કર્યો છે. (જુઓ : ‘વિક્રમાદિત્ય હેમુ’ પૃ. ૧૪, ૧૫).

પ્રસ્તુત નવલકથાની કથાનો આરંભ અફઘાન બાદશાહ શેરશાહની ‘દિલ્હીપતિ’ બનવાની મહત્ત્વાકાંક્ષાના આલેખનથી થયો છે અને તેમના રાજ્યારોહણથી કથા સમાપ્ત થાય છે. સદા અપ્રસિદ્ધિમાં રહીને મિત્રને સહાય કરનાર હેમનું જીવન કથામાં શેરશાહના જીવનની પાછળ માળાનાં ફૂલને જોડનાર દોરાની જેમ સાથે સાથે ચાલે છે એટલે કથામાં ઘણીવાર નાયકપદ પર હેમુને બદલે શેરશાહ પણ આવતો લાગે છે. પણ આ સંદર્ભમાં લેખક પોતે જ કહે છે એ વાત આપણે પણ સ્વીકારીને ચાલીએ કે ‘જેમ જયપરાજયમાં એ બે મિત્રોએ કદી ભેદ નહોતો કર્યો તેમ જે કાળે જે નાયક બને તેમાં આપણે ભેદ ન પાડીએ.’ (પ્રસ્તાવના : પૃ. ૧૧)

‘વિક્રમાદિત્ય હેમુ' ની કથા એ સમયની વાતથી આરંભાય છે જ્યારે દિલ્હીની સલ્તનત અફઘાનોના કબજા હેઠળ હતી. પણ ક્લેશ અને કુસંપના કારણે અફઘાનોએ મોગલોને નોતર્યા, બંને વચ્ચે પાણીપતના મેદાનમાં ભયંકર યુદ્ધ થયું. આંતરકલેશને કારણે અફઘાનો હાર્યા અને બાબર દિલ્હીનો બાદશાહ બન્યો.