પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૫૫
 

જીવનને હવે ઝાંઝવાનાં જળ પાવાં નથી. (પૃ. ૨૨૯)
તારા આત્મા પર મારો ગાઢ પ્રેમ છે, રે નારી ! યોગીઓ તો આત્માના આશકો છે. (પૃ. ૨૯૫)
પ્રીતથી પ્રીત એ સાધુધર્મ, ભયથી પ્રીત એ રાજધર્મ. (પૃ. ૨૦૬)
સાચો પ્રેમ ત્યાગમાંથી જન્મે છે, જેમાં ત્યાગ નથી એ પ્રેમરસ ફિક્કો છે. (પૃ. ૨૪)

ઉપરનાં અનેક દૃષ્ટાંતો દ્વારા લેખકના સમર્થ ગદ્યની અને એ દ્વારા થતી નવલકથાની વસ્તુવિકાસલક્ષી સમૃદ્ધિનો પરિચય થાય છે. એમાં એવી કવિપ્રતિભા પણ નજરમાં આવે છે, જે સરવાળે ગદ્યકૃતિને અનુરૂપ થઈને નવલકથાના ગદ્યને જ ઉપકારક થતી હોય. એ ઉપરાંત ઐતિહાસિક વાતાવરણ મૂર્તિમંત કરવા શબ્દો પાસેથી પણ જયભિખ્ખુએ ઠીક કામ લીધું છે. દા. ત. પર્યાંકાસન (પલંગ, પૃ. ૨૪), અર્ધનાલિકા (દોઢ કલાક, પૃ. ૧૦૩), શિબિકા (રથ, પૃ. ૧૦૩), વિનિમય બજાર (પૃ. ૧૦૬), આપણ શ્રેણીઓ (દુકાનો, પૃ. ૧૦૭), કુત્રિકાપણ (જ્યાં બધા જ પ્રકારની વસ્તુઓ એક સાથે મળી શકે એવી દુકાન, પૃ. ૧૦૭), પણ્યગૃહો (પૃ. ૨૨૨), દુર્ગચ્છા (દુર્ગંધ, પૃ. ૨૨૯). જૈન મુનિઓએ રચેલાં નમૂનેદાર ભાવગીતોને પણ લેખકે નવલકથાની સામગ્રી લેખે ઠેર ઠેર કંડારી દીધાં છે. શ્રી કૃષ્ણકાંત કડકિયા કહે છે તેમ ‘નવલકથામાં વ્યાસશૈલી માટે વધારે ગુંજાયશ હોવા છતાં નાટક તેમ વાર્તા બંને કરતા વધુ સારી સરળ શૈલીને પણ ફેલાવી શકાય છે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જયભિખ્ખુએ આ નવલકથા દ્વારા પૂરું પાડ્યું છે.’ (‘ઈ. સ. ૧૯૨૧થી ૪૦ સુધીની ગુજરાતી-હિન્દી ઐ. મૂલક નવલકથાનો તુલનાત્મક અભ્યાસ’, પૃ. ૩૦૮)

જ્યારે વર્તમાન યુગ ભોગવિલાસ, સમૃદ્ધિ, સત્તા અને અનીતિ તરફ વેગથી ધસી રહ્યો છે ત્યારે નવલકથાની કલામાં રોચક રીતે મઢીને પ્રજાને સંયમ, નીતિ અને ત્યાગ તરફ વાળવાનો પ્રયત્ન કરતી આ નવલ જયભિખ્ખુની નવલોમાં તો ખરી જ, પણ ગુજરાતી સાહિત્યની ધાર્મિક કથાવસ્તુવાળી નવલોમાં પણ નોંધપાત્ર ભાવે કલાત્મક બની છે.