પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 


પંજાબના પોતાના પ્રાંતમાં પાછા ફર્યા બાદ અને હેમુની દિલ્હીમાં પથરાયેલી પ્રભાવશાળી સેનાના દર્શન-વર્ણનથી અકબર મનોમન થોડો નાહિંમત બન્યો છે. એમાં મુલ્લાં પીરમહંમદ તેની સમક્ષ હેમુ સાથેની લડાઈ અને હેમુની શૂરવીરતાની જે વાતો કરે છે એનાથી યુદ્ધ જીતવાની એની આશા થોડી ઝાંખી બને છે. હિંદુસ્તાનમાં એ વખતે એવી પરિસ્થિતિ હતી કે જેને જુઓ તે હિંદનો શહેનશાહ બનવાના જ સ્વપ્ન લઈને સૂતો હતો. એમાં ય હેમુની પાસે તો ત્રણ લાખના હાથી, ઘોડા ને તોપોની સુસજ્જ સેના હતી એની સામે પોતાનું વીસ હજારનું લશ્કર કેવી રીતે જીતી શકશે એ વિચાર જ્યારે અકબરને આવે છે ત્યારે હિંદુસ્તાન જીતવાને બદલે પાછા કાબુલકંદહાર જતા રહેવાની ઇચ્છા વધારે તીવ્ર બને છે. પણ એ સમયે બરેહામમાં એને પ્રોત્સાહિત કરે છે એટલું જ નહીં, એની સેના જે તારગીબેગની કહેલી હેમુના સૈન્યની શૂરવીરતાની વાતોને કારણે હતોત્સાહ થઈ હતી તેને પ્રોત્સાહિત કરે છે. તારદીબેગ નો આવી વાતો ફેલાવવા બદલ વધ કરી સૈન્યમાં આશા, ઉત્સાહ અને વિશ્વાસ સીંચી પાણીપતના મેદાનમાં હેમુ સાથે યુદ્ધ માટે સુસજ્જ કરે છે. આ આખીયે ઘટના ઇતિહાસમાં છે એ રીતે જ લેખકે નિરૂપી છે.

વિક્રમાદિત્ય હેમુના અનિષ્ટ સામે જેમ એક બાજુ મોગલ સેના સુસજ્જ થતી જતી હતી તેમ બીજી બાજુ હિંદુસ્તાનમાં હિંદુઓનો એક એવો વર્ગ પણ હતો જે પોતાના પ્રાણના ભોગે પણ તેમનું શુભ ચિંતવતો હતો. આ વર્ગના કેન્દ્રબિંદુ હતા જૈન જતિ પદ્મસુંદર. ‘વિક્રમાદિત્ય હેમુ’ નવલકથાના આરંભે દેખાયેલા આ જૈન જતિની પ્રેરણાથી હેમુ હીરાનો ઝવેરી મટી દિલ્હીનો રાજા બનવા તત્પર થયો હતો. એમના ચિત્તમાં હેમુ દ્વારા જૈન ધર્મનો શાસનપ્રભાવ સમાજમાં દૃઢાવવાની તીવ્ર ઝંખના હતી. હેમુને તેઓ અવારનવાર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ધર્મભાવના દૃઢાવવાની પ્રેરણા, બોધ આપ્યા કરતા હતા. નવલકથામાં જૈન જતિ પદ્મસુંદરના આવા બોધ નિરૂપતાં કેટલાંક પ્રકરણો આવે છે, જ્યાં નવલકથા કલાતત્ત્વ વિસરી ઉપદેશક બની જતી જણાય છે. સાંપ્રદાયિક બની જતો આ ઉપદેશ ઘણી વાર કઠે પણ છે અને નવલપણું ગુમાવતી કૃતિ માટે રંજ પણ પેદા કરે છે.

આ જૈન જતિને જ્યારે સમાચાર મળે છે કે પાણીપતના મેદાનમાં ફરી