પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પરિવારજનો સાથે

તેને સોસાયટીમાં લાવ્યા. પોલીસ આવી ને કેસ થયો.' આવી હતી જયભિખ્ખુની હિંમત ! સહુને એમની હૂંફ હતી. ચંદ્રનગરને જંગલમાંથી મંગલ બનાવ્યું. તેનો વહીવટ કર્યો તે પણ પારદર્શક. અનેક મિત્રો ત્યાં સ્થિર થયા તેમાં જયભિખ્ખુનો ફાળો અનન્ય.

એમની સંબંધની સુવાસ એવી કે એક વાર સંપર્કમાં આવનાર કાયમી આત્મીયજન બની જાય. તેનું કારણ એમની ઉલ્લાસિતા – પ્રસન્નતા. શાંતિલાલ મ. જૈને લખ્યું છે કે 'મુખ પર સદા તરવરતું એ હાસ્ય, રોષમાં અને તોષમાં પણ નીતરતી એ સ્નેહાર્દ્રતા કોને આત્મીય ન બનાવે !' સીતાપુર આંખની સારવાર કરાવવા ગયા ત્યારે ત્યાંના ડૉક્ટરની સાથે મનમેળાપ એવો થયો કે એ માનવંતા મહેમાન જેવી સેવા પામ્યા. વળતાં જયભિખ્ખુએ સીતાપુરના દવાખાનાનો પરિચય ગુજરાતને કરાવ્યો અને બે લાખ રૂપિયા જેવી માતબર રકમનું દાન મેળવી આપ્યું. ત્યાં 'સરદાર વલ્લભભાઈ ગુજરાત વૉર્ડ'નું શિલારોપણ થયું ત્યારે જયભિખ્ખુ ત્યાં હાજર રહ્યા હતા.

ગુજરાત – ગુજરાત બહાર અનેક સ્થળોએ સમારંભોમાં હાજર રહીને એમણે એમનું વર્તુળ ખાસું મોટું કર્યું હતું. એમનું માન પણ હતું. લોકપ્રિયતાના


જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૩૦