
લીધે સમારંભોમાં છવાઈ જતા. વળી વક્તૃત્વ પણ પ્રભાવી હતું. ષષ્ટિપૂર્તિ પછીના સમયમાં જયભિખ્ખુ જે વ્યાધિથી વર્ષોથી ઘેરાયેલા રહેલા તે વધતો રહ્યો. ડાયાબિટીસનું પ્રમાણ નિયંત્રિત ન રહ્યું. નબળી આંખો વિશેષ નબળી પડવા માંડી. લોહીનું દબાણ વધઘટ થવા માંડ્યું. કિડની પર અસર થઈ હતી. પરંતુ મનોબળ પ્રબળ હતું આથી વ્યાધિને અવગણીને પણ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા. એમણે જ લખેલું : 'મનમાં ખૂબ મોજ છે. જિંદગીને જીવવાની રીતે જિવાય છે.' ઈ. સ. ૧૯૬૮ની રોજનીશીમાં લખાયેલું આ વિધાન એમની જિંદાદિલીનું પ્રમાણ છે. વર્ષ પછી ઈ. સ. ૧૯૬૯માં દિવાળી ટાણે શરીર રંજાડવા માંડ્યું, પરંતુ મનમાં શંખેશ્વર જવાની ઇચ્છા થઈ હતી એટલે મનોબળે , ઢીલી તબિયતે પણ અપાર શ્રદ્ધાથી તીર્થધામે જવા નીકળેલા જયભિખ્ખુ શંખેશ્વર પહોંચ્યા ત્યારે તબિયતમાં ખાસ્સો સુધારો થયો. ત્યાં ચાર દિવસ રહીને લાભપાંચમે અમદાવાદ પાછા ફર્યા. એ સંદર્ભે રોજનીશીમાં લખ્યું હતું : 'અનેક જાતના રોગોની સંભાવના સાથે અહીં આવ્યો હતો. આજે થનગનતો પાછો ફર્યો. શરીરમાં સાવ નવા ચેતનનો અનુભવ થયો. મન