પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૮ ]
અશ્રુધારા

એક દિવસ સાંજે ગંગાના તટ ઉપર બેસીને સ્વામીજી સૃષ્ટિસૌંદર્ય જોતા હતા. તે વખતે એક મરેલા બાળકને લઇને એક સ્ત્રી કિનારે આવી. પોતાના બચ્ચાના મૃતદેહને હાથમાં ઉપાડીને એ બાઈએ પાણીમાં પ્રવેશ કર્યો. થોડા ઉંડા પાણીમાં જઈને એણે એ શબ ઉપર લપેટેલું કપડું ઉતારી લીધું અને 'હાય ! હાય ! એવા આર્તનાદ કરતાં કરતાં એણે શબને પ્રવાહમાં વહેતું મેલ્યું.'

સ્વામીજીએ જોયું કે એ ખાંપણના ટુકડાને ધોઈ, સુકવીને, રડતી રડતી એ માતા ઘેર ઉપાડી જાય છે. આ દેખાવ જોઇને એમનું હૃદય ચીરાઇ ગયું. એમણે વિચાર્યું કે અરેરે ! દેશની શું આટલી ગરીબી, કે આ જનેતાએ પોતાના કલેજાના ટુકડા, સરખા પેલા પ્યારા બાળકને નદીમાં ફેંકી દીધું, છતાં વસ્ત્રનો ટુકડો ન જવા દીધો ! ગરીબીનો આથી વધુ સજ્જડ પૂરાવો બીજો કયો હોઇ શકે ?

તેજ પળે એમણે પ્રતિજ્ઞા કરી કે આ ગરીબોની ભાષામાંજ મારા જ્ઞાનનો પ્રચાર કરી એમનાં દુઃખો ફેડવાના ઇલાજો ઉપજાવીશ.