પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૯ ]


ભાગલપુરમાં મુકામ હતો તે વેળા એક રાત્રિએ સ્વામીજીએ ભોજન ન લીધું. ભેાજન મેાકલનાર ભક્તે કારણ પૂછતાં જવાબ મળ્યો કે 'ભાઈ ! ભોજન આજે ભાવે તેમ નથી. અહીં મેળામાં આવનાર લોકો પંડાઓને પોતાની દીકરીઓ સુદ્ધાંનાં પણ દાન કરે, એટલું બધું અજ્ઞાન આ દેશમાં પ્રવર્તેલું જોઈને મને ધાનનો કોળીયો ઝેર લાગે છે !'

એવા અંધકારવાલી અજ્ઞાન-રાત્રિમાં આ દેશ ફસાએલો હતો અને એવાં અંધારાં ભેદીને દયાનંદને પોતાનો જીવનપંથ કાપવાનો હતો.

ગામડાંના લોકો આવી વિનવવા લાગ્યા કે 'મહારાજ, નગરવાસીઓ તો ઉત્તમ પદાર્થો વડે આપનાં સ્વાગત કરે છે. અમ કિસાનોની પાસે તો એવા ફળ મેવા ક્યાંથી હોય ? એક વાર પધારો તો પોંક ખવરાવીએ.'

સ્વામીજી બોલ્યા 'ભાઈ, ધનવાન અને નિર્ધન વચ્ચે મારી દૃષ્ટિએ કદિ ભેદ દીઠા નથી. ઉલટાનો તમારો પોંક મને વધુ મીઠો લાગશે. આજ તો નહિ, કાલે આવીશ.'

કિસાન રથ જોડીને આવ્યા. પણ સ્વામીજી રથમાં ન બેઠા. પગપાળા જ ચાલ્યા. રસ્તે એટલી ઝડપથી ચાલતા કે કિસાનો પાછળ રહી જતા. માર્ગે પોતે સાદી વાણીમાં ઉપદેશ આપતા જાય છે કે 'બાળવિવાહ ન કરો. જેમ કાચા લણેલા મોલ એળે જાય છે તેમ કાચી ઉંમરે પરણાવેલાં સંતાનો પણ વહેલાં નાશ પામે છે.'

વડલાને છાંયડે સ્વામીજી ભોંય ઉપર જ બેસી ગયા. લોકો વીંટળાઇ વળ્યા. મીઠાશથી પોંક ખાધો. કિસાનો કહે 'મહારાજ, અમ જેવાં કંગાલો પર મહેર કીધી.'