પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૪]

ગયેલો છેલ્લો ચોકીદાર જરા જંપી ગયો, એ લાગ જોઈ શુદ્ધ ચૈતન્યે મૂઠીઓ વાળી દોટ મૂકી, અને નાસી છૂટ્યો. ચૈતન્યને ખબર હતી કે હમણાં જ એની પાછળ પિતાના સવારો છૂટશે. એટલે તે મહાદેવની જગ્યાથી બેએક ગાઉ દૂર, આડે માર્ગે, એક ઝાડીમાં પીપળની ઘટામાં લપાઇ ગયો. ચૈતન્યે, તેની શોધમાં છૂટેલા ઘોડાઓ તેને ભાળ્યા વિના ત્યાંથી પસાર થઈ જાય એ વખતની ફડફડતે હૈયે વાટ જોવા માંડી.

મૂળશંકર પાછો ભાગ્યાની ખબર પડતાં પિતાએ પણ તેની પાછળ ચારે દિશામાં તાબડતોબ સવારો દોડાવ્યા પણ તેમાંના કોઈને મૂળશંકરનો પોત્તો લાગ્યો નહિં. અંતે નિરાશ બનીને પિતાએ ઘર તરફ પગલાં માંડ્યાં. અણધારી એ ટૂકડી મૂળશંકરને છુપાવી રહેલી પીપળ નીચેથી નીકળી. એ જોઈ ક્ષણવાર તો મૂળશંકર ગભરાઇ ગયો, પણ સદ્દભાગ્યે કોઇની નજર ઉપરની પીપળ ઉપર પડી નહીં. ટૂકડી તેને માર્ગે ચાલી ગઈ. કરૂણાના સાગર વિભુરાયે શુદ્ધ ચૈતન્યને ફરીવાર બચાવી લીધો, તે માટે તેણે કૃપાનિધાનનાં ગુણાનુવાદ ગાવા માંડ્યાં.

પિતાને પોતાના ગામ તરફ ચાલ્યા જતા નજરે જોવા છતાં, ચૈતન્યની ઝાડ ઉપરથી ઉતરવાની હિંમત ચાલી નહીં. એ આખો દિવસ ઝાડ ઉપર બેસી રહ્યો. રાત પણ ત્યાંજ વીતાવી. એ દિવસે ચૈતન્યને ચોવીસ કલાકનો કડાકો થયો. આખા દિવસમાં, સુભાગ્યે સાથે આવી ગયેલા લોટામાંનું થોડું જળ જ તે ક્ષુધાતૃપ્તિ અર્થે આરોગી શક્યો. બીજે દિવસે સવારે, ભૂખની અશક્તિ અનુભવતા, ચૈતન્ય નીચે ઉતર્યો, અને નજીકના ગામડાના પંથે પડ્યો.


અમદાવાદ અને વડાદરા અને આસપાસનાં ગામ-ગામડાઓમાં ભટકતો, શુદ્ધ ચૈતન્ય, નર્મદાના તીરે આવી પહોંચ્યો.