પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૪]મહર્ષિજીનું જીવનચરિત્ર વીરત્વની વિધ વિધ ઘટનાઓથી ભરપૂર છે. મણિ-રત્ન જેવું એ માનવ-જીવન પોતાના પ્રત્યેક પાસામાંથી કેવું ઝલકી રહ્યું છે ! જગતના રોષ, તિરસ્કાર અને વિદ્વેષનું ઝેર પાળી પાળીને પીતાં પીતાં, તેના બદલામાં, એ યોગીવરે પોતાના આત્મ-મંથનમાંથી કેવું અમૃત વલોવી વલોવીને આપ્યું છે, તેની સાક્ષી દેતા આ જીવન-પ્રસંગો ઉભા છે. આચરણની ઝીણવટમાં જ મહત્તાની કસોટી છે. એ કસોટીની જ્વાળા વચ્ચે સળગતા મહર્ષિ કેવા દીપી ઉઠે છે ! એના સિદ્ધાંતો સાથે મતભેદ સેવનારાઓને પણ એની મહાનુભાવતાની આ ઘટનાઓ સત્યનું ભાન કરાવે છે. મતભેદો તો જગતમાં પડ્યા રહેશે. ગગનમાં ચડશે કેવળ આવી જીવન-ફોરમો.