પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦ ]
કલાપી
 

બહુ જ ઝીણા અક્ષરે તે ઉતારી લેતા. તેમાં છેકભૂંસ, સુધારા, ફેરફાર અને ઉદ્દેશ તેમ જ સૂચિત પ્રદેશ વગેરેનું પણ કોઈ કોઈ સ્થળે ટિપ્પણ કરવામાં આવતું હતું. પછી તેની એક નકલ પોતાના જ હસ્તાક્ષરમાં કરી તે એમના પરમ મિત્ર હડાળા દરબારશ્રી વાજસુરવાળાને કે શ્રી રૂપશંકરને મોકલી આપતા; અને એક નોટમાં તેની નકલ કરાવીને સંગ્રાહી મૂકવામાં આવતી અને બીજી છૂટા કાગળો ઉપર લખાયેલી નકલો મિત્રમંડળમાં મોકલી આપવામાં આવતી. આ પ્રમાણે ફેલાવો થવાથી તેના ઉપર ચર્ચા કરવાનું સરલ પડતું. વળી વારંવાર સાહિત્યકાર અને મિત્રોના સંમેલન થતાં તેમાં પણ કલાપીનાં અને અન્ય લેખકોનાં કાવ્યો વંચાતાં. ચર્ચાઓને પરિણામે કલાપીનાં કાવ્યોને અવશ્ય લાભ થયો હશે.

વળી જટિલ કલાપીનાં કાવ્યોમાં સુધારા વધારા કરતા. તા. ૧૮–૮–'૯૫ના પત્રમાં કલાપીએ જટિલને લખ્યું હતું: " 'મૃતકુસુમ'માં આપને કંઈ ફેરફાર કરવાનું યોગ્ય લાગે તો કરશો."[૧] ત્યારપછી લગભગ એક વર્ષ પછી લખાયેલ પત્રમાં લખ્યું છેઃ બધાં કાવ્યોમાં આપને જે કાંઈ સુધારો વધારો, કાપકૂપ, કરવાં હોય તે કરશો, અને કૃપા કરી વિવેચનો જરા તાકીદે લખશો." કલાપીનાં કેટલાંક કાવ્યો 'સુદર્શન' અને 'ચંદ્ર'માં જટિલની ટીકા સાથે પ્રસિદ્ધ થયાં છે, તે વિશે અહીં ઉલ્લેખ જરૂરી લાગે છે. જટિલનાં વિવેચનોમાં કલાપીનાં કાવ્યો સમજવામાં મદદરૂપ થાય એવું કાંઈ પણ ભાગ્યે જ દેખાય છે. મોટે ભાગે તેમાં નિરર્થક લંબાણ જ માલૂમ પડે છે. છતાં કલાપી તેમના સરલ અને ઉદાર સ્વભાવ પ્રમાણે જટિલનાં વિવેચનોને મહત્વ આપતા લાગે છે. તે જ પ્રમાણે જટિલના સુધારાઓને પણ કલાપીએ અઘટિત મહત્વ આપ્યું હોય એ બનવાજોગ છે. કલાપીને જટિલના સુધારાઓથી લાભ ન થયો હોય, એટલું જ નહિ પણ કદાચ હાનિએ થઈ હોય; છતાં સુધારાઓ થયા હતા, અને પોતાનાં કાવ્યો જાતે


  1. ૧ કલાપીના પત્રો