પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[૧૦૩
 

કેટલાંક કાવ્યો અંગ્રેજી ઉપરથી લખાયાં છે એમ નોંધ રૂપે નીચે કાન્તે આપ્યું છે. પણ આવું 'સુદર્શન'માં જેનાં મૂળ આપેલાં છે તેટલાં જ કાવ્ય પરત્વે બન્યું છે. કલાપીના પત્રોમાંથી બીજા થોડાંક કાવ્યોનાં મૂળ મળે છે, તે જ બતાવે છે કે કલાપીએ કદી પણ પોતાનાં કાવ્યો અનુવાદ હોય તો તે છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. એ વસ્તુ જ તેમના સ્વભાવની વિરુદ્ધ હતી. પરંતુ તેમનું અકાળે અવસાન થયું તેથી બધાં કાવ્યોનાં મૂળ છપાવતી વખતે દર્શાવવાનું રહી ગયું. પરંતુ કલાપીનાં કાવ્યો સમજવામાં આ મૂળ જાણવા જરૂરી છે. અને કલાપી એવી ઉચ્ચ સ્વાભાવિક કવિત્વશકિત ધરાવતા હતા કે તેમણે મૂળ વસ્તુને પણ વારંવાર શોભાવી છે. એટલે આ જાણવાથી તેમના કવિત્વ સંબંધી આપણો અભિપ્રાય હલકો પડવાને બદલે ઊલટો વધે છે.

આવા ઉદ્દેશથી પ્રેરાઈને આજથી ૨૦ વર્ષ પહેલાં આ લેખકે કલાપીનાં કાવ્યોનાં મૂળ શોધી કાઢવાનો પ્રયાસ કર્યો અને તેનાં પરિણામો અવારનવાર અભ્યાસીઓ સમક્ષ મૂક્યાં હતાં. [૧] તેમાંથી થોડું અહીં આપીશ. અત્રે જણાવતા આનંદ થાય છે કે તેથી કલાપીની કવિ તરીકેની તેની ભક્તિમાં જરા પણ ઊણપ આવી નથી,પણ વધારો જ થયો છે. અને વાંચકનો અનુભવ પણ આવો જ છે.

કલાપીનો પ્રિય કવિ વર્ડ્ઝવર્થ હતો. તેની ઢબ પર કલાપીએ કેટલાંક કાવ્ય રચવાનો પ્રયત્ન કર્યો હતો. "વર્ડ્ઝવર્થ એમ માનતો લાગે છે કે, કોઈ માણસની અથવા કે માણસની જીંદગીના એક બનાવની સાદી સીધી વાત કરી જવી એમાં કાવ્ય બની જાય છે. એ જ રીતિથી એટલે વર્ડ્ઝવર્થની એ શિલિને અનુસરી હજુ સુધી ત્રણ જ કાવ્ય લખાયાં છે:- 'સારસી', 'શેલડી' અને 'વૃદ્ધ ટેલીયો.'


  1. ૧ કલાપીની કવિતાઃ ત્રણ મુદ્દા (કેટલાંક વિવેચનો)
    કલાપીનું જીવન અને કવન(કેટલાંક વિવેચનો) ,
    ગ્રામમાતા અને બીજા કાવ્યો, હૃદયત્રિપુટી અને બીજા કાવ્યો.