પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[૧૦૫
 

વગેરે વર્ણન અને ઇતિહાસથી વર્ડ્ઝવર્થ પોતાનો સર્ગ આરંભે છે. એ આખો વિષય કલાપીએ છોડી દીધો છે. તેમાંથી થોડીક જ વિગત લઈને, તેમાં આપણા દેશકાલને બંધબેસતી કલ્પિત વિગત સાંધીને કલાપી મૂળ કવિના 'વટેમાર્ગુ' માંથી પોતાનો 'ટેલિયો' ભિખારી સર્જે છે, અને તે કથાનાયિકાની હકીકત કહેતાં કહેતાં વચ્ચે ટૂંકામાં જ પોતા વિશેનું કહી લે છે, એટલે કથાતંતુની સળંગતા પણ જળવાય છે. નાયિકા બાલાના જીવનને લગતી વિગતો કલાપી મૂળમાં વર્ડ્ઝવર્થે માર્ગરેટની ચિત્રી છે તે જ રાખે છે અને એ મુખ્ય વર્ણન પણ ટૂંકાવીને કલાપી એ વિષયને ઘટતી લંબાઈનો જ રાખી રસની જે પાકી માત્રા સધાય તે સાધે છે; અને આ રીતે ગુજરાતી કવિતામાં સાદી ભાષા, સાદી કડી, સાદી વિગત, સાદાઈ નરી, એ સાધન વડે જ મર્મભેદક કરુણ રસનો એક ઉત્તમ નમૂનો સર્જે છે.

વર્ડ્ઝવર્થનું કાવ્ય લાંબું છે, તે સાથે તેનો ઉદ્દેશ અને પદ્ધતિ બંને જુદાં છે. એ મહાકવિની વિશિષ્ટ કૃતિઓમાં શાંત રસ પ્રધાન હોય છે, અને કુદરતનાં વર્ણનો પણ માનવ બનાવો અને વીતકના કરતાં ઊતરતી અગત્યનાં હોતાં નથી. એની કાવ્યકલામાં, ટૂંકામાં કહીએ તો માનવ પાત્ર કુદરતની સજીવન અનંતતામાં વહેંતિયા જીવ કે તેથીયે શુદ્ર જતુ જેવાં, આંબા જંબુડા ઉપરનાં કીડી મંકોડી જેવાં હોય છે. શ્રદ્ધા અને શાંતિ, પ્રકાશ અને આત્મા પણ વર્ડ્ઝવર્થના કલાપટમાં કુદરત મહામૈયાનાં હોય છે. કુદરતના અતિ વિશાળ ઉત્સંગોદરમાં મનુજપંખી ઉડે છે, અને થોડું મહાલે છે તો થોડું સહન કરે છે, અને વીતકથી ગાંડું થઈ જાય છે, તો વળી કુદરતની અજબ અમીથી દર્દની ખટક ધીમે ધીમે સહ્ય પણ બને છે. મધ્યાહ્નના સૂર્ય પછી જેમ સંધ્યાની પરિણામ-રમણીયતા કુદરતી રીતે જ આવે છે, તેમ વર્ડ્ઝવર્થના આઈડિયલો (Ideals) માં અવસાન શાંત તેજોમય સમતામાં આવે છે. કુદરત માણસને આ પ્રમાણે ઘડે છે. પશુને 'દ્વિજ' બનાવે છે. કુદરતથી માણસ આ