પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[૧૦૭
 


મળી આવે. અને આ હકીકતનું વધારે આંકવું યોગ્ય ગણે તેવો વિવેચક ઘણું કરીને 'ટેલિયા'ને અનુકૃતિ કરતાં ટૂંકાવેલો અનુવાદ જ ગણે. સાચી બાજૂએ, કલાપીએ એટલું તો ટૂંકાવ્યું છે, અને જે થોડો ભાગ શબ્દશઃ અનુવાદ જેવો છે તે પણ એવો અસરકારક છે, તથા એકંદરે લેતાં કૃતિ એવી તો હૃદયની ઊર્મિમાંથી ઉદ્‌ભવેલી અને ઐક્યવાળી છે કે, એને અનુવાદના વર્ગમાં મૂકવી અશક્ય લાગે છે.

કલાપીને પોતાને આ કાવ્યના ગુણ વિશે શંકા રહેતી. તેનાં બે કારણ છે. કોઈપણ સાચા કવિને પોતાની કૃતિથી પ્રસન્નતા અને પૂરા સંતોષનો અનુભવ છેક વિરલ હોય છે. સુંદરતા અને કલારૂપ ઇન્દ્રલોકની અસરાની જે આંખને ખરે જ ઝાંખી થઈ હોય છે, તે પોતાની ઘણીખરી કૃતિઓ વિશે અસંતુષ્ટ હોય જ હોય. લોકો જ્યારે માત્ર તેની કૃતિ જુએ, ત્યારે તે તો પોતે જે અનિર્વચનીય વસ્તુ સર્જવા મથેલો, અને બદલો પામે ત્યારે આ યત્કિંચિત્.

કલાપીને 'ટેલિયા'થી અસંતોષ રહે તેનું વિશેષ કારણ એની પોતાની વર્ડ્ઝવર્થ ઉપરની આસક્તિ. તેણે વર્ડ્ઝવર્થનો એવો તો અભ્યાસ કરેલો, કે તેનો એ અભ્યાસમાંથી ભક્ત બની ગયો હતો, અને એને તો એ 'ગુરુવર્ય', એ 'મહા કવિ', એ 'ઋષિ'ની કોઈ કૃતિ લે, તો તેના મૂળ જેવી જ સાદી ભવ્ય ભાષામાં, મૂળ જેટલો મર્મવેધક, સંપૂર્ણ સળંગ અનુવાદ કરી શકે, તે જ સંતોષ વળે એમ હતું.

પણ ટેલિયાના મૂળનો એ સંપૂર્ણ સળંગ અનુવાદ કર્તાને પોતાને ગમે તેવો પ્રિય થઈ પડત, તથાપિ ગુજરાતી કવિતામાં તે બહુ નીચું સ્થાન લેત એમાં શક નથી. ઘણી વિગત જતી કરી છે, કુદરતનાં વર્ણનો ઘણાં છોડી દીધાં છે, વગેરે જે જે કલાપીને પોતાને અસંતોષનું કારણ હતી, તે ક્રિયાઓ વડે જ આ કૃતિમાં કરુણ રસ અને ઐક્ય, સુરેખતા અને મર્મવેધકતા, ઉત્તમ સધાયાં છે." [૧]


  1. ૧ કવિતા શિક્ષણ–શ્રી. બલવંતરાય ક. ઠાકોર