પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[૧૦૯
 


વિલાયતમાં સંચાથી લોટ દળવાનો, એટલે ડોશીને ઘંટી ફેરવવાની હોય નહિ; પરંતુ કલાપીએ ડોશીના મુખમાં પંક્તિ ૨૯થી ૩૨ના શબ્દો મૂકી (જે ઘંટીને......જીવ ધારું.) આપણા દેશનું વાતાવરણ ખડું કરી દીધું છે.

કલાપીના કાવ્ય 'કુદરત અને મનુષ્ય'ની બેથી સાત સુધીની કડીઓ વર્ડ્ઝવર્થના કાવ્ય Lines written in Early spring ઉપરથી અનુવાદિત છે. શરૂઆતની કડી અને છેવટની આઠ કડીએમાં મુખ્ય વિચારોને પોષવાનો સુંદર પ્રયાસ છે. અનુવાદમાં પણ કલાપીએ મૂળ વિચારો ખૂબીથી સ્પષ્ટ કર્યા છે.

કલાપી 'ઋણ'ના કાવ્યમાં કહે છે :

બ્રહ્માંડ આ તો ગૃહતાતનું છે,
આધાર સૌને સહુનો રહ્યો જ્યાં;
લે છે સહુ કૈં સહુને દઈ કૈં,
આધાર સૌનો સહુ ઉપરે છે.

એ બરાબર છે. શેક્સપિયર અને પ્રેમાનંદ જેવાએ પણ લગભગ એકે એક ગ્રંથમાં બીજાનો આધાર લીધો છે, તે જોવાનો આપણો ઉદ્દેશ લેખકને હલકો પાડવાનો નથી, પણ નાની વસ્તુને લેખકે પોતાના ચાતુર્યથી કેવી બદલાવી છે તે સમજવાનો છે. કલાપીના આ 'ઋણ' કાવ્યની જ છેવટની ચાર લીટીઓ વર્ડ્ઝવર્થના કાવ્ય Simon Lee–The old Huntsman ની એક કડીનો અનુવાદ છે; તેથી ભલે 'આભાર' ચઢતો ન હોય, પરંતુ અભ્યાસી તરીકે આપણે તે જાણવું તો જોઈએ.

કલાપીનું લાંબું કાવ્ય 'પ્હાડી સાધુ' ગોલ્ડસ્મિથકૃત Edwin and Angelina અથવા The Hermit ઉપરથી લખાયું છે. મૂળ કાવ્ય ૧૫૬ પંક્તિઓનું છે, ત્યારે આ અનુવાદમાં ૨૦૦ પંક્તિઓ છે. કલાપીએ ભાષાન્તર કરતાં વિસ્તારથી સમજાવ્યું છે,