કલાપીનો કેકારવ/કુદરત અને મનુષ્ય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← હમારા રાહ કલાપીનો કેકારવ
કુદરત અને મનુષ્ય
કલાપી
પાન્થ પંખીડું →
શિખરિણી


કુદરત અને મનુષ્ય

પહોંચે ના કર્ણે કલકલ ધ્વનિ આ જગતના,
વહે ધીમાં ધીમાં ખળખળ અહીં શાન્ત ઝરણાં,
વહે ધોધો ગાજી મધુર જ્યમ માતંગ ગરજે,
રૂડાં બચ્ચાં ન્હાનાં ચપલ હરિણોનાં કૂદી રહે!

સૂતો છું આ કુંજે, શરીર મનમાં શાન્તિ પિગળે,
હજારો મીઠા મિશ્રિત સ્વર ભરે છે મગજને;
વિચારો આનન્દી મુજ દિલ કરે છે દુઃખભર્યું!
અહો! મ્હારું હૈયું સુખમય દુઃખોથી ઉભરતું!

અને આ આત્માને કુદરત ગ્રહી લે નિજ કરે,
ઉડાડી દે ઊંચો, પકડી વળી ચાંપે નિજ દિલે;
મૂકી તેને પાછો હસી મૃદુલ શેવાલ પર ને
પછી પંપાળે છે ફરી ફરી દઈ ચુમ્બન મુખે!

અરે! એ માતા છે ભગિની મુજ કે શાન્તિ સુખ છે,
નવાં કાર્યો પ્રેરી મુજ હ્રદયમાં અગ્નિ છુપવે!
નિહાળી વિચારી મુજ દિલ બની કાષ્ટ સળગે,
અહીં આ જે રીતે જન પ્રતિ ચલાવે જન, અરે!

નીલી કુંજોમાં છે સુમન મકરન્દે ભભકતાં,
નીચે ઊંચે ઊડે ફુદડી નવરંગી રમતમાં;
અને હું ધારૂં છું પ્રતિ ફુલ રૂપાળું હસમુખું -
બને છે ભોગી આ અનિલલહરી સ્પર્શસુખનું!

અહો! પક્ષી - એ તો કૂદી કૂદી રમે છે મુજ કને,
વિચારો તેઓના સમજી શકતો હું ન જરી એ;
અહા! કિન્તુ તેની અતિ ચપલ સૌ અલ્પ ગતિએ
મને તો ભાસે છે પુલકિત થતો હર્ષ ચમકે!

પ્રશાખા ગુલ્મોની વ્યજન નિજ વિસ્તીર્ણ કરતી,
ભરી લેવા હૈયું દિનકર તણા આ કિરણથી;
નકી હું માનું છું, તરુ ફુલ બધાં હર્ષમય છે,
ડુબેલાં સર્વે છે પ્રણયમધુના મિષ્ટ ઝરણે!

અરે! આ શ્રદ્ધા જો કુદરત પ્રભુ પાથરી રહે,
અને યોજી દે છે વિભુપતિ જ આ ધર્મ સહુને;
નહીં કાં રોઉં તો રુધિર દિલનું હું નિરખીને -
અહીં આ જે રીતિ જન પ્રતિ ચલાવે જન અરે!

નદી જો રોશે તો રુદન કરશે પ્હાડપથરા,
અને ઝીણું ઝીણું રુદન કરશે પક્ષી સઘળાં;

વનોના આગારો - તરુ સહુ બિચારાં ટપકશે,
ઝરાનાં હૈયાં તો છણ છણ તપીને ઉકળશે!

અને આંસુ લ્હોતો પવન નદીનો મિત્ર બનશે,
નભે ઝૂમેલાં તે ઘનદલ તણાં અશ્રુ ખરશે!
કૃતિ આવી મીઠી કુદરત તણો જે ક્રમ કહે,
જનોમાં એ ના ના! જડ સમ નહીં શું જન અરે!

કહું શાને હાવાં ઉદધિ જડ ને આ જડ નદી?
ગણું તિર્યંચોને હ્રદયહીણ હું તો ક્યમ કદી?
ખરે! હું જાણું છું જગત સૌ ચૈતન્યમય છે,
નહીં તો ક્યાંથી આ પ્રણય, કરુણા, ને રતિ અરે!

ભલે કાલિદાસે નિજ દિલ કહ્યું વાદળી કને,
પ્રિયાનો સન્દેશો ઘન સહ દીધો તે પણ ભલે;
નકી માન્યું છે આ મુજ દિલ અને એ કવિદિલે,
પહોંચાડ્યું મેઘે કવિરુદન તેની રમણીને!

કવિ આ ભોળો તો કુદરત તણો બાન્ધવ હતો,
જનો તે શું જાણે? જન પર રહ્યો સ્વાર્થ લપટ્યો;
વિના અશ્રુ જોશે જનદુઃખ જનો જ્યાં સુધી, અરે!
કવિતાના ભોક્તા સુખમય રસીલા નહિ બને!

નવા રંગો ધારી સુરધનુ અહીં આજ વિરમે,
જનોથી મ્હારે શું? કુદરત મહીં આ દિલ રમે,
રૂડી સંધ્યા રેલી સરિત સર ને પ્હાડ પર છે,
ધનુ સંકેલાયું, હિમકર તણું શૃંગ ચળકે!

ગ્રહો તારા સાથે ધવલ નભગંગા ખળભળે,
રૂડાં પીળાં પીછાં શશી પર ધરે વાદળી હવે;
ધકેલી તેને આ અનિલ લઈ ચાલ્યો રમતમાં,
અને પેલી ચન્દા થરથર ધ્રૂજી જલમાં!

અહા! કેવા પન્થે કુદરત કરે છે ગતિ! અને
અરે! કેવા પંથે કુદરત તણાં બાલક ભમે!
વિચારી વિચારી મમ દિલ બને ભસ્મ સળગી,
અરેરે! જે રીતિ જન પ્રતિ ચલાવે જન અહીં!

૨૯-૮-૧૮૯૪