કલાપીનો કેકારવ/પાન્થ પંખીડું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કુદરત અને મનુષ્ય કલાપીનો કેકારવ
પાન્થ પંખીડું
કલાપી
વિરહસ્મરણ →
શાર્દૂલવિક્રીડિત


પાન્થ પંખીડું

આ જો, ઘોર તિમિર શો જીવિત બ્હોળો પડ્યો પંથ છે:
નિર્માયો સહુ કાજ એ ક્યમ પછી પાછો ફરી તું શકે?
લેવાનો શિર ભાર તે લઈ અને આકાશમાં ઊડવું,
જાવું ત્યાં લઈ જાય વાયુ તુજને વિશ્રાંતિ લેતા જવું!

જો તે કાશ્મીરદેશના મધુરવા મીઠા ઝરા આવશે;
વ્હાલા પાન્થ! તહીં જરી વિરમજે; એ દેશ વ્હાલો મને;
ત્યાંના તે અતિ રમ્ય ને ટપકતા મીઠા રસે કુંજમાં –
ગુચ્છા દ્રાક્ષ તણા બિલોરી જલમાં છાયા રહે પાડતા!

પુષ્પોની રજથી ભર્યા અનિલ ત્યાં વૃક્ષો ધુણાવી રહે,
ત્યાં તું ટોચ પરે ચડી, સ્થિર થઈ, મીઠાં ફલો ચાખજે,
સોનેરી તુજ પીંછડાં શ્રમિત તે તાજાં કરી લે ભલે,
જાવાનું બહુ દૂર ત્હોય તુજને ત્યાં થાક લાગ્યો હશે!

જાણ્યો તેં નથી માર્ગ ને વિકટ છે ત્યાંનાં વનો ને ગિરિ,
કિન્તુ સુંદર સૌ પ્રદેશ નિરખી પ્રેમે વહેવું તહીં;
ત્યાંની કો’ સરિતે તરી, ઠરી જરી, ક્રીડા કરન્તાં જરા,
અંગો તપ્ત થયેલ શીતલ થતાં આનન્દ આવે મહા!

સંધ્યાએ વળી હિમપર્વત તણાં શૃંગો ગુલાબી બને!
ખીણેખીણ, ઝરેઝરા, સર સહુ ત્યારે રૂપેરી બને!
ત્યાંનાં તે ગિરિ શાં તરુ ગિરિ નભે તારાથી વાતો કરે,
તે સૌ દિવ્ય ઉજાસમાં ગરક થૈ હર્ષે ભર્યાં ખીલશે!

ત્યારે તો પ્રિય જે હશે તુજ દિલે તે યાદ સૌ આવશે,
ગાજે તો તુજ ગિત્તડું દુઃખભર્યું ને અશ્રુ બે ખેરજે!
રુમઝુમ કો’ પડી ઝાપટું વહી જશે ને કૈંક કહેતું જશે,
ત્યારે તું પ્રિય તે ઉદાસ સુખમાં ડૂબી ભલે મ્હાલજે!

વ્હાલા, હું ગુરુ ને વળી તુજ સખો, તે ભક્ત સંભારજે,
બાલુડા! મુજ પ્રાણ! તે વખત તું રોજે અરેરે ભલે!
ઉછેર્યું તરુ એક મેં વન મહીં ત્યાં તું વળી બેસજે,
વ્હાલા! મેં લઘુ એક કોતરી લખ્યું તે કાવ્ય તું વાંચજે!


હા, હું એ ઘસડાઈ એક વખતે વ્હાલા! ગયો ત્યાં હતો,
વ્હાલાંનો વિરહી બની હૃદયને ચીરી રડ્યો ત્યાં હતો;
તે અશ્રુઝરણું જ શોણિત સમું તે કાવ્યમાં છે ભર્યું,
સ્વચ્છાએ ભરી ચંચુ લાલ મુખથી પીજે ભલે આંસુડું!

ને જો શુષ્ક રણે જવું તુજ બને ઓળંગી સિન્ધુ, અરે!
રેતીના ઢગ ત્યાં ઊડે, પવન ત્યાં ફૂંકી ઉન્હા આફળે;
તું મ્હારૂં; તુજ હું, બની પણ સખે! હું ભોમિયો ના શકું,
એવા સંકટમાં અરે! મદદ ત્યાં આપી જરી ના શકું!

પાંખો સુંદર ત્યાં અતિ શ્રમવતી ચોળાઈ ચીરાઈને–
કંઠે સોસ પડ્યો હશે જલ વિના બાપુ! અરેરે તને!
પાંખોને તુજ શક્તિ ત્યાં ગરુડની દેજે પ્રભુને સ્તવી,
ને જાજે જલદી ઊડી, ઘટિત ના રોકાવું ત્યારે ઘડી!

ત્હારા માર્ગ પરે ઘણા તુજ સમા પાન્થો ગયા ઊડીને,
માર્ગે તે જ જવું, ભલે સુખ તને આવી મળે ના મળે!
નિર્માયું જવું તો જવું, દુઃખ વહી આનન્દ ધૈર્યે વહી,
આ તો ઝિંદગીભર પુણ્ય સરખો, સૂએ ન સિદ્ધિ કશી!

પ્હોંચે જ્યાં સુધી સ્થાન તું અવધિનું, તે અન્ત આવ્યા સુધી–
આકાશે જલદી અગાડી ઊંચકી તે ભાર તું જા ઊડી;
પૂરા સાહસથી બલિષ્ટ દુઃખને સંતોષથી પી જવું,
ને આનન્દ વિશેષ પ્રેમસુખથી તે દુઃખમાં માનવું!

હું આ વૃદ્ધ રડું ન તે ઘટિત છે, લૂછું હવે અશ્રુને,
જા તું, થા સુખિયું, ન આમ રડવું, છાતીથી ચાંપું, અયે!
રક્ષે ઈશ્વર પાપથી હૃદય ને દોરો સુમાર્ગે તને,
વ્હાલા પાન્થ! સુખી સુખી સુખી થજે! આશિષ મ્હારી તને!

૩૧-૧૦-’૯૪