કલાપીનો કેકારવ/હમારા રાહ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જ્યાં તું ત્યાં હું કલાપીનો કેકારવ
હમારા રાહ
કલાપી
કુદરત અને મનુષ્ય →


હમારા રાહ

કટાયેલું અને બૂઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું;
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્રદય મ્હારૂં!

ગમીના જામ પી હરદમ ધરી, માશૂક! તને ગરદન;
ન ખંજરથી કર્યા ટુકડા! ન જામે ઇશ્ક પાયો વા!

પછી બસ મસ્ત દિલ કીધું ઉઘાડી ચશ્મ મેં જોયું;
સિતમગર ત્હોય તું મ્હારો ખરો ઉસ્તાદ છે પ્યારો!

ગુલો મેં બાગનાં તોડી દીધાં સૌ ધૂળમાં ચોળી;
બિછાનું ખારનું કીધું, ઉપર લોટી રહ્યો તે હું!

મુબારક હો ત્હમોને આ ત્હમારા ઇશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, ત્હમોને જે ન ફાવ્યો તે!

ત્હમારા માર્ગમાં મજનૂં અને લૈલી શીરીં ફરહાદ -
ચીરાયેલાં કપાયેલાં પડ્યાં છે લોહીથી ભીનાં!

ગુલામો કાયદાના છો! ભલા એ કાયદો કોનો?
ગુલામોને કહું હું શું? હમારા રાહ ન્યારા છે!

મને ઘેલો કહી, લોકો! હજારો નામ આપો છો!
હમો મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા!

નહીં જાહોજલાલીના, નહીં કીર્તિ, ન ઉલ્ફતના
હમે લોભી છીએ, ના! ના! હમારા રાહ ન્યારા છે!

ત્હમારી બેવફાઈના, હરામી ને હલાલીના
ચીરી પડદા હમે ન્યારા! હમારા રાહ છે ન્યારા!

હમે મગરૂર મસ્તાના! બિયાબાંમાં રઝળનારા!
ખરા મહબૂબ સિંહો ત્યાં! હમારા રાહ છે ન્યારા!

કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિન્દાનાં ઉડે ટોળાં,
કબૂતર ઘૂઘવે છે જ્યાં, હમારા મ્હેલ ઉભા ત્યાં!

લવે છે બેત નદીઓ જ્યાં, ગઝલ દરખત રહ્યાં ગાતાં,
હમે ત્યાં નાચતા નાગા! હમારા રાહ છે ન્યારા!

ત્હમારા કૃષ્ણ ને મોહમદ, ત્હમારા માઘ, કાલિદાસ,
બિરાદર એ બધા મ્હારા! હમારા રાહ છે ન્યારા!

હતાં મ્હેતો અને મીરાં ખરાં ઇલ્મી ખરાં શૂરાં;
હમારા કાફલામાં એ મુસાફર બે હતા પૂરાં!

પૂજારી એ હમારાં, ને હમો તો પૂજતા તેને,
હમારાં એ હતાં માશૂક, હમો તેના હતા દિલબર!

ત્હમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા;
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખઝાના જ્યાં!

હમો તમને નથી અડતા, હમોને છેડશો કો ના!
લગાવી હૂલ હૈયે મેં નિચોવી પ્રેમ દીધો છે!

હવાઈ મ્હેલના વાસી હમે એકાન્તદુઃખવાદી!
હમોને શોખ મરવાનો! હમારો રાહ છે ન્યારો!

ખુમારીમાં જ મસ્તી છે! તમે ના સ્વાદ ચાખ્યો એ:
હમોને તો જગત ખારૂં થઈ ચૂક્યું, થઈ ચૂક્યું!

૧૨-૮-૯૪