કલાપીનો કેકારવ/જ્યાં તું ત્યાં હું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સમુદ્રથી છંટાતું બાળક કલાપીનો કેકારવ
જ્યાં તું ત્યાં હું
કલાપી
હમારા રાહ →


જ્યાં તું ત્યાં હું

ચિન્તાક્રાન્ત મુખે ખરે ટપકતાં અશ્રુ ઉન્હાં મોતી શાં,
તહારાં શાં વિગલિત ગાત્ર વનમાં વૃક્ષે અઢેલી રહ્યાં!
મીઠું કાંઈ મુખે લવી પ્રિય, અહા! નિશ્વાસ ધીમે મુક્યો!
તે સૌ હું નજરે રહું નિરખતો, સૌભાગ્યશાલી બન્યો!

કેવી શાંત નિશા! જરી પવનથી ના ડોલતું પાંદડું!
કેવું ચંદ્રપ્રકાશથી ચળકતું આકાશ આ ઊજ્જ્વળું!
હા હા! આ સમયે, પ્રિયે! હૃદયથી કાં ના લપેટે મને!
કાં ત્હારૂં મન શોકથી ઉભરતું શંકાભરેલું? અરે!

હા! નિદ્રાવશ તું બની, કમલશાં નેત્રો મિચાઈ ગયા;
નીલા ઘાસ તણી બિછાત પર આ અંગો પડ્યાં શાન્તિમાં,
આંસુના પડદા વતી નયન તો મ્હારાં થયાં આંધળાં!
લૂછ્યાં ના પણ ઉષ્ણ શ્વાસ દિલને અશ્રુ સુકાવી દીધાં!

સૂજે પ્રાણ! સુખે રહી નિડર તું ત્હારો ઊભો દાસ આ,
તે સ્પર્શી તુજ ગાલ લાલ અધરે ચૂમી ને લેશે પ્રિયા!
શાન્તિમાં તુજ ભંગ એ નહિ કરે આલિંગી બન્ને ભુજે,
સૂતી સિંહણ, કોણ ક્રુદ્ધ કરશે તેને જગાડી? કહે!

જોશે ભાગ્ય ગણી ઉભો અધર જે જૂદો રહ્યો ઓષ્ઠથી,
જેણે કો દિન શબ્દ મિષ્ટ ઉચરી શાંતિ પમાડી નહીં;
માયાળુ નહિ ત્હોય ક્રુર દિસતી નિદ્રસ્થ પ્યારી નહીં,
એવા દર્શનને વિલોકી બનશે પ્રેમાર્દ્ર હૈયું સુખી!

વ્હાલી પૂર્ણ સદોષ છે, જખમ આ કારી કર્યો કાળજે,
ત્હોયે તે મમ ગીતની અસરથી નિશ્ચિન્ત સૂતી રહે!
મ્હારૂં વજ્ર સમું કઠિન દિલ આ ચીરાય ઘાથી નહીં,
હું તો ના નહિ તો રડું ટળવળું જ્યારે સુખે એ સૂતી!

સંયોગી તુજ ના બન્યો, વિરહમાં જીવું બની ભસ્મ હું,
પ્યારી! શું દુ:ખદાહ, શું જીવિત છે પ્યારૂં મને એવડું?
એવું શું બનશે, પ્રિયે! જગતમાં ત્હારા વિના હું જીવું?
ત્હારી ખાક લગાવી અંગ પર શું બાવો બની હું ફરૂં?

ત્હારાથી મુજ આ દ્વિધા નહિ બને હૈયું, પ્રિયે! મૃત્યુથી,
મ્હારી તું નવ લેશ ઓછી બનશે એ કાલરાત્રિ થકી,
તું જાતાં નહિ હું રહું, જીવિતનો લોભી નથી હું નકી,
તું સ્વર્ગે કર વાસ, એ સમજજે આ દાસ ઊભો તહીં!

ત્હારાં કોમલ ગીતડાં મધુરવાં હું સાંભળી એકલો-
ઘેલો મસ્ત બનીશ સ્વર્ગભૂમિમાં કો બાલ ન્હાના સમો;
કેવી સુન્દર લ્હેરીઓ અનિલની, ત્હારા રૂડા બાલની-
સેરો રેશમના સમી, નિજ કરે સ્પર્શી હશે ચાલતી!

કેવી મોહક વાટિકા, વનઘટા, પુષ્પો પરાગે ભર્યાં!
કેવા રંગીન ત્યાં હશે મધુકરો સંધ્યા સમે ગુંજતા!
ત્હારી શાલ સુવર્ણરંગી ચળકે સાડી ઝીણી ઊપરે;
તેમાંથી તુજ દિવ્ય સૌ અવયવો દેખાઈ આછા રહે!

ત્યાંયે નાજુક વૃક્ષની વનઘટા માંહી છૂપેલો રહી,
ત્હારા સૌ સુખના વિચાર રસીલા કલ્પી બનું હું સુખી,
હા! અદૃશ્ય સદા રહી તુજ કને જ્યાં તું ભમે ત્યાં ભમું,
જેથી હું નવ કલાન્ત એક પલકે ત્હારાથી જૂદો રહું!

તું ચૂંટે મધુપુષ્પ કોમલ કરે તે ના ગ્રહું હું કદી,
વા ના દાબીશ સ્નિગ્ધ તે અધર હું લોભાઈ પીયુષથી;

ત્હારાં ચંચલ નેત્રના ઝરણમાં ડૂબ્યો રહું સર્વદા,
ત્હારી નાજુક પાદપંક્તિ પરની ધૂલી લગાવું શિરે!

હિંડોલા સમ ઝૂલતું જલભર્યું કાસાર ત્યાં સ્વર્ગનું -
પુષ્પોની ખરતી સુગન્ધી રજથી બહેકી રહેલું બધું;
સોનેરી ઢગ રેતના ચળક્તાં ભીના બનેલા જલે,
આવી શાન્ત નિશા શશી સહ હવે તે સૌ પ્રદેશો પરે.

શોધી તીર કદમ્બની સુખભરી છાયા ઘડી ત્યાં ઊભે,
રેલી છે સહુ પાસ રેલ શશીની તે જોઇ તું તો હસે;
ઇચ્છા સ્નાન તણી થતાં ચમકી તું ચોપાસ ભીરુ જુવે;
ના ના હું નજરે કદી નહિ પડું: છું વૃક્ષડાળી પરે!

તોડે ગાંઠ ન છૂટતાં કર વતી તું એક ચોળી તણી,
લજ્જાળુ મન નીવિબંધ છૂટતાં શર્માઇ સ્તંભે જરી;
ત્હોયે વસ્ત્ર સરે, પડે સરક્તું તે વિશ્વ જોતું રહે,
ને એ કૌતુક તો બધું નયનથી પી જાઉં છું હું ખરે!

હા હા! દેહકળી દિગમ્બર બની પ્યારી ખીલી નીકળી;
ઊડ્યા કેશ લપેટવા સ્તનતટો ને કેસરી શી કટિ;
બે બાહુ કમલો તણા રસિકડા છે દંડ ન્હાના સમા,
સ્કંધો કે સ્તન કોતરી બરફના પહાડેથી જાણે લીધાં!

ધીરી ઉદ્ધત છે ગતિ તુજ, પ્રિયે! તું મોહમાયા દિસે!
ત્હારૂં ભવ્ય કપાલ સ્ફાટિક સમું તેજે ભર્યું છે ખરે;
જંઘા છે કદલી, ગુલાબફુલડાં હાથેલિયો હાથની,
લાંબી ડોક કપોત શી તુજ, પ્રિયે! ભ્રૂની લતા ચાપ શી!

ચાલે બે ડગલાં નિરંકુશ બની, પહોંચી કિનારે હવે,
તહારી નાજુક તું છબી નિરખતી, ઊભી તટે, વારિએ;
કેવા સ્વર્ગતડાગનાં મધુરવાં મોજાં કૂદી આફળે!
તે કેવાં તુજ પાદને રમતમાં ચુમ્બી ઉડે છે હવે!

મ્હારી અસ્થિર છે છબી સલિલમાં તે જોઇ કંપી જરા,
રિસાઈ મનમાં, ડરી ચમકી તું, ધ્રૂજી પડી વારિમાં;
નિચિ મંજુલ આકૃતિ જલ તણું ચીરી કલેજું ગઈ,
કુંડાળું જ્લમાં પડ્યું ખબકતું હું તો રહ્યો જોઈ તે!

આવું સ્વર્ગ વળી જહીં પ્રિય વસે તે હું ન છોડું કદી,
તું સ્વર્ગે કર વાસ કે સમજજે આ દાસ ઊભો તહીં;
પ્યારી! કાં રડ તું? અરે દુ:ખભર્યા સ્વપ્ને વિંટાઈ હતી?
પ્રેમીલા તુજ દાસને દુ:ખ દીધું તે શું વિચારી રહી?

રે! નિદ્રા! રજની મહીં સ્તવન હું ત્હારું કરૂં છું સદા,
ઇચ્છું હું પ્રિયની સખી સમજીને ત્હારી કને માગવા :-
'વ્હાલીને સમજાવ પ્રીતિ કરવા: કાંઈ દયા લાવવા :
'જેથી એ સુખમાં ઉઠી હ્યદયથી ચાંપી મને લે પ્રિયા!'

૨૪-૬-૯૪