પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪]
કલાપી
 

હતા, અને સૌને પોતાને બંગલે લઈ ગયા. કુમારશ્રી ભાવસિંંહજીએ આ કાઠિયાવાડી કુમારને પોતાના શિક્ષક ફ્રેઝરની અને સહઅભ્યાસી કોલ્હાપુરના મહારાજની મુલાકાત કરાવી, અને ધારવાડ જેલ, ઉન્માદ ભવન વગેરે સ્થળ બતાવ્યાં.

આઠમી માર્ચે ધારવાડથી નીકળી ૯મીએ સવારે ૧૦ વાગ્યે પૂના પહોંચ્યા. અને ત્યાં ભોજન કરી ૧-૪૫ની બપોરની ટ્રેનમાં મુંબઈ માટે રવાના થયા.

તા. ૯ મીએ લગભગ રાતના આઠ વાગ્યે મુંબઈ પહોંચ્યા કે તુરત જ કલાપીને તેમનાં સાસુ તરફથી તાર મળ્યો કે કચ્છ રોહામાં તમારાં પત્ની ગંભીર બિમારી ભોગવે છે અને તેથી તમારે ભૂજ આવવું. આ ઉપરથી તેમના વાલી રા. બ. પ્રાણજીવન ઠાકરે તાર કરી રાજકોટ પુછાવ્યું કે પ્રવાસ પૂરો કરવો કે અધૂરો મૂકી કાઠિયાવાડ ચાલ્યા આવવું? જવાબમાં 'તુર્ત આવો' એવો તાર પોલિટિકલ એજંટ તરફથી મળવાથી કલાપી ૧૧મી માર્ચ રોહા જવા માટે રવાના થયા, અને અન્ય પ્રવાસીઓ કાઠિયાવાડ પાછા આવી ગયા.

આ પ્રમાણે કલાપીનાં રોહાનાં રાણીની માંદગીને લીધે આર્યાવર્તનો પ્રવાસ પંદર દિવસ વહેલો પૂરો થયો.