પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુમુક્ષુ રાજવી
[ ૬૫
 

પોતાની એકેએક ફરજ તરફ અત્યંત કાળજી રાખનાર સુરસિંહજી રાજા તરીકે ફરજ બજાવવામાં પણ બેદરકાર હતા એમ કહી શકાય તેમ નથી.

સુરસિંહજીને રાજ્યનો કંટાળો હતો તેનું કારણ પ્રમાદ કે ભય ન હતું. રાજ્યખટપટના બનાવોથી તે ડરતા ન હતા. તેમણે લખ્યું છે: 'હું ડરતો...નથી, પણ મ્હારી આસપાસ આવી જ દુનિયા જોઉં છું અને તેથી તોબાહ તોબાહ પોકારૂં છું. કંટાળી ગયો છું. વડવાના હાથબળે મેળવેલી રાજ્યગાદી કરતાં મારા પોતાના બળેથી મેળવેલી વિદ્યા હજાર દરજ્જે ઉત્તમ અને સુબળ તેમજ પરમાથ થશે તેવી જાણું છું.'[૧]

આ શબ્દો સુરસિંહજીએ ગાદી મળ્યા પહેલાં લખ્યા હતા, પણ અર્જુનનો વિષાદ જેમ કૃષ્ણના ઉપદેશથી ગયો તેમ મણિલાલના બોધથી સુરસિંહજીની કર્તવ્યવિમુખતા તત્કાલ તો દૂર થઈ. મણિલાલે સમજાવ્યું કે ઘર પછી પ્રાંત, પ્રાંત પછી ઇલાકો, ઈલાકા પછી દેશ અને પછી દુનિયા અને છેવટે બ્રહ્માંડ સુધી કર્તવ્ય વિસ્તાર પામે છે.

રમા અને તેમનાં ફોઇ લીમડી ઠાકોર સાહેબનાં રાણીએ સુરસિંહજીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પણ તેની કાંઈ અસર થઈ ન હતી. પરંતુ મણિભાઇને તો તેમણે વચન જ આપ્યું કે હવે પોતે કદી રાજ્ય છોડવાનો વિચાર કરશે નહિ. પોતે પ્રજાના જ છે અને પ્રજા તેમની છે એમ તેમને બરાબર સમજાયું. ખટપટથી ભલે દેહનો અંત આવે તો પણ છેલ્લાં ડચકાં સુધી પ્રજાનું કલ્યાણ કરતા રહેવાનો નિશ્ચય તેમણે કર્યો. અને જ્યારે પોતાનો પુત્ર મોટો થાય ત્યારે પ્રજાનાં કાંડાં તેને સોંપીને પોતાનું જીવન દેશહિતમાં ગાળવાનો વિચાર રાખ્યો. અને પોતાના જેવા રાજાને મણિલાલે આ પ્રમાણે કટુ સત્ય સમજાવ્યું તેને સુરસિંહજીએ પોતાનું મહાભાગ્ય માન્યું.


  1. ૧ મણિલાલને પત્ર : 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૮ 'કૌમુદી' પુ. ૩ અં. ૨ માં 'સુબળ' ને બદલે 'સુખદ' છે તે વધારે યોગ્ય લાગે છે..