પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'કલાપી' નું સ્નેહીમંડળ
[ ૮૩
 

મણિશંકરની સલાહ પ્રમાણે કલાપીએ સ્વીડનબર્ગનાં પુસ્તકો વાંચવા માંડ્યાં હતાં. શરૂઆતમાં તેમના મનમાં તેના વિચારોની વિરુદ્ધ દૃઢતા બંધાઈ, પણ 'હેવન ઍન્ડ હેલ' વાંચ્યા પછી તેના પર વિશેષ શ્રદ્ધા લાવવાનું મન થયું, અને વિરોધને બદલે મનમાં શંકાએ સ્થાન કર્યું.

મણિશંકરે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો તે કારણથી તેમના જૂના મિત્રોએ અને જ્ઞાતિજનોએ તેમનો ત્યાગ કર્યો. પરંતુ કલાપીએ તેમની સાથે પહેલાના જેવો જ પ્રેમ અને મૈત્રી ચાલુ રાખ્યાં હતાં. તેથી મણિશંકરના હૃદયને ઘણું આશ્વાસન મળ્યું હતું. કલાપીએ પોતે પણ બાઈબલ વાંચવા માંડ્યું, અને ૧૦−૧૦−૧૮૯૯ થી (Lord's prayer) ખ્રિસ્તી પ્રભુ પ્રાર્થના શરૂ કરી. કલાપીનાં નાનાં નાનાં અંજની ગીતોમાં અને 'પેદા−થયો છું ઢંઢવા તુંને સનમ' જેવાં કોઈ કોઈ કાવ્યોમાં ખ્રિસ્તી ધર્મની જે અસર દેખાય છે, તેનાં મૂળ અહીં જોઈ શકાશે.

મણિભાઇએ સ્વીડનબર્ગના પુસ્તકનો પોતે કરેલો અનુવાદ 'સ્વર્ગ અને નરક' S. T. G. એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલને અર્પણ કરેલ છે. કલાપીના મૃત્યુ પછી તેમનાં કાવ્યોને એકત્ર કરી 'કલાપીનો કેકારવ' એ નામથી મણિશંકરે પ્રકટ કરી પોતાના આ મિત્રનું સાક્ષરશ્રાદ્ધ ઉત્તમ રીતે કર્યું છે. તેની શરૂઆતમાં મૂકેલું કાવ્ય 'કલાપીને સંબોધન' હવે તો ગુજરાતમાં અત્યંત જાણીતું થઈ ગયું છે.

'કલાપીનો કેકારવ' ગુજરાતને ગાંડું કરી શકે તેમાં મણિશંકરનું સંપાદન પણ એક મુખ્ય તત્ત્વ ગણાવું જોઈએ. મણિશંકરનું સ્થાન ગુજરાતના કવિઓમાં ઘણું આગળ પડતું હતું. તેમના હૃદયની નિખાલસતા અને નીડરતા વિરોધીઓની પાસે પણ માન અપાવે તેવી હતી. મણિભાઇ જેવા સ્વતંત્ર વિવેચકે કલાપીનાં કાવ્યો પસંદ કરી પ્રકટ કર્યાં એ જ તેની ઉચ્ચતાનું પ્રમાણપત્ર હતું.