પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ ]
કલાપી
 

પણ, લાઠી નાનું રાજ્ય હોવા છતાં કલાપીના જન્મ અને જીવન સ્થાન તરીકે જેમ તે મહાન છે, તે જ પ્રમાણે તેનો ભૂતકાલ પણ ગૌરવશાલી છે.

હાલમાં ગોહિલોનું મોટું સંસ્થાન ભાવનગર છે. તે ઉપરાંત પાલીતાણા, લાઠી, વળા, મોણપુર, જવાસા, લીમડા વગેરે સંસ્થાનો ગોહિલોનાં છે. આ સર્વ ગાહિલ રાજકુળના આદિપુરુષ સેજકજી હતા, અને સેજકજી હિંદના પ્રસિદ્ધ ઉદ્ધારક શાલિવાહનના વંશના હતા એમ કહેવાય છે; એટલે ગોહિલો પોતાને શાલિવાહનના વંશજો કહેવડાવે છે.

રાસમાળાના કર્તા ગોહિલ શબ્દની વ્યુત્પત્તિ ગો ( શક્તિ ) +ઈલા ( પૃથ્વી ) એ પ્રમાણે કરે છે. એટલે ગોહિલો પૃથ્વીનું બળ છે. ત્યારે ભાવનગરના ઇતિહાસના લેખક સ્વ. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ ‘ગેાહિલ’ શબ્દ મૂળ ગૂહ ( ઢાંકવું ) +ઈલ ( વાળા ) એમ બતાવી, તેનો અર્થ રક્ષણ કરનાર એવો કરે છે.

ગોહિલોના આદિપુરુષ સેજકજી ઈ. સ. ૧૨૯૪માં મારવાડમાંથી કાઠિયાવાડમાં આવ્યા. જૂનાગઢના રા' સાથે લગ્ન સંબંધ જોડાવાથી અને સૌરાષ્ટ્રના રક્ષણનું કામ ઉપાડી લેવાથી સેજકજીને રા'એ ત્રણ ચોવીશીનું રાજ્ય કાઢી આપ્યું. આ સેજકજીના ત્રીજા પુત્ર સારંગજીના વંશમાં ચોવીશમી પેઢીએ આ જીવનચરિત્રના નાયક સુરસિંહજીનો જન્મ થયો હતો.

લાઠીનું રાજ્ય સ્થાપનાર દુદોજી હતા. તેમના નાનાભાઈ હમીરજી ગોહિલનું નામ ગુજરાતના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. ગુજરાતના સુબા ઝફરખાને સોમનાથ પાટણ લુટ્યું ત્યારે મહાદેવના મંદિરનું રક્ષણ કરતાં વીર હમીરજી ગોહિલ મૃત્યુ પામ્યા હતા. કીર્તિસ્તંભ સમો હમીરજીનો પાળિયો આજે પણ સોમનાથના જૂના મંદિર પાસે ઉભો છે. પોતાના આ પ્રતાપી પૂર્વજ તરફ કલાપીને ઘણું આકર્ષણ હતું અને તેના વિશે તેમણે એક મહાકાવ્ય પણ રચ્યું છે.