પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જરી મોડું

જુદી જુદી શ્રેણી ઉપર જનનાં સંચિત વહે,
અરે ! પ્રીતિ પહેલાં મરણ કંઈને તો ઝડપી લે !
અને યુક્તાત્મા જે મધુર રસ ચાખી ગત થશે,
પડે તેથી જુદાં ગરીબ દિલડાં ગ્રન્થિત ન જે.

ઘણાં ઇચ્છા સાથે તલફી મરતાં, જન્મ ધરતાં,
અને તૃપ્તિ માટે બહુ સમય જ્યાં ત્યાં ભટકતાં;
કમી જુદાં જુદાં કઠિન દુઃખ ને દર્દ સહતાં,
ઘવાતાં, રૂઝાતાં, કજખમ સહતાં ને મરી જતાં.

અરે ! કો અદૃષ્ટો પણ વધુ હજુ દારુણ દિસે'
મળે પ્રેમી ભોળાં પણ મિલન મોડું જરી બને;
'પ્રિયે ! ત્હારૂં હૈયું મુજ હ્રદયનું' 'હા ! તુજ ! સખે !'
'હથેલી દે ! વ્હાલી' 'નહિ ! અરર ! મ્હારે જવું પડે.'

૯-૮-૧૮૯૬


મધ્યમ દશા

દે તું પ્રેમ વધુ મને, પ્રિય સખિ ! ધિક્કાર દે યા વધુ,
દે તું શીતલ હિમ વા સળગતું દે પાત્ર અંગારનું,
દર્દોને મુજ એ સમાન સુખ ને શાન્તિ નકી આપશે,
આવી આ દુઃખની જ મધ્યમ દશા ના શાન્તિ દે કાંઈ એ.

જે દે તે, પ્રિય ! પૂર્ણ દે, અવધિ દે સંકોચ રાખ્યા વિના,
દે તોફાન મને અહો ! પ્રણયનાં વા ક્રોધધિક્કારનાં;
જો એ પ્રેમ હશે, અહો ! હ્રદય આ તો હંસ ત્હારો થશે,
ત્હારા માનસરોવરે ફરી તરી ઉડી સદા મ્હાલશે.

જો ધિક્કાર હશે, પ્રિયે ! ભવતુ ! તો વંટોળમાં ઊડીને
જૂઠી આ મુજ આશ સર્વ વિખરી નીચે પડી તૂટશે;
ના વૈરાગ્ય પછી સ્મરે મધુર એ મ્હોં કોઈ કાળે કદી,
જ્યાં સૂતો મુજ રાજ્ય ત્યાં કરીશ હું આનન્દની એ સ્થિતિ.

કલાપીનો કેકારવ/૨૪૯