પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તુજ નામ વદે સહુ લોક અહીં,
પણ શ્યામ પડ્યા બહુ ડાઘ તહીં;
દિલ ભાગી બને સુણી એ સઘળે,
ધરણી પર માગ મને ન મળે.

તુજ જાણીતી કો મુજને ન ગણે,
પછી વાત હજાર બુરી જ કરે;
દિલ એ સુણી કમ્પી ચીરાઈ બળે,
મુજ વ્હાલ થયું ક્યમ તું ઉપરે ?

ક્યમ આમ જડ્યો દિલમાં તું સખે !
જખમો ક્યમ આમ જડાઈ કરે?

નવ ભાન ત્હને !
નવ ભાન મને !

ક્યમ ત્હોય પુકાર કરે દિલ છે;
'મળવું, મળવું મરતાં ય? સખે!'

છુપી બે પલમાં તુજ હું થઈ છું.
છુપી એકલી આજ અહીં હું રડું;
તુજ સોગન વ્યર્થ બધા ય ગણું.

અરરે! પણ જો તુજને હું મળું,
હજુ કેવી રડું ? હજુ કેવી રડું?
દુ:ખી એ ક્યમ દૂર વિચાર કરૂં?
મળવું, મળવું હજુ એ મળવું !

૧૨-૮-૧૮૯૬

પ્રેમીની પ્રતિમા

અહો! સાચી પ્રીતિમધુર સ્વરના મેળ સરખી,
ગ્રહોએ નિર્મેલાં હૃદયયુગલોથી નિકળતી;
અહીં જે કમ્પે તે સ્વર જરૂર ત્યાં કમ્પ કરતા,
વહે રોવું રોતાં, હસવું હસતાં એક સરખાં.

જડાઈ પહેલાં ને પ્રણયી પછી સૌ જન્મ ધરતાં,
ઘરાં તે એક્કેકે જરૂર દ્વય બીબાં નિકળતાં;
વળી તત્ત્વો એ સૌ પ્રણયી દિલનાં એક જ નકી,
અહીં ના બન્ધાતી પણ અનુભવાતી ખરી પ્રીતિ.

કલાપીનો કેકારવ/૨૫૧