પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રવૃત્ત થવા કહેતા મિત્રને

પ્રિય એ મુખ દૂર ગયું જ! સખે !
કયમ અર્જુન તીર ઉપાડી શકે ?
કર જે ધરતી ધણણાવી રહ્યો!
બસ કાયરથી જ લુટાઈ જતો !

મૂજ કાજ તને કંઈ દર્દ ! સખે !
દુઃખી હું સઘળું દુઃખ જોઈશ તે!
દુઃખી જોઈશ હું ! કદી રોઈશ હું !
કદી એ ઝરતું જલ લ્હોઈશ હું !

પણ ચેતનહીન કરે કર શું ?
સહુ ચેતન એ મુખ સાથ ! સખે !
શબ ના ઉઠશે ! કહીં એ ન સુધા !
ગત ચેતનની ગઈ દૂર દવા !

ઉરના દિલના દિલદાર સખે !
સુણી આ તુજ એ નયનો પીગળે !
પણ એ જ રહ્યું ! હરિએ નિરમ્યું !
સહજે જ્યમ દર્દ સહાય ! સખે !

૩૧-૧-૧૮૯૭

પ્રેમ અને ધિક્કાર

અરે ! તે બાગમાં તું પર નઝર મેં ફક્ત કીધી'તી,
જિગરમાં આહ દીધી મ્હેં, ગુનેહગારી હમારી એ !
કરે સૌ તે હમે કીધું, ન જોયેલું હમે જોયું !
મગર એ આહને માટે ગુનેહગારી હમારી છે !

હતી ત્યાં ગુલછડી, દિલબર ! હતી તેની કળી ખીલી;
ઝૂકી ચૂંટી કહ્યું, 'લેજે,' ગુનેહગારી હમારી એ !
કળી દેતાં જિગર દીધું ! ગમીનું જામ પી લીધું !
તૂટી દિલની લગામો એ, ગુનેહગારી હમારી એ !


કલાપીનો કેકારવ/૩૦૯