પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોઈ ગામ પરે ચડાઈ કરીને તે દિ’ જવાનું હતું,
ને એ પ્રેમ તણું રુધિર સઘળું ત્યાં અર્પવાનું હતું!

અર્પાયાં શિર ઝિંદગી રુધિર એ શોણિતની નીકમાં,
તેને પ્રેમ અને છબી પ્રિય તણી ને હર્ષ હૈયે હતાં;
યુદ્ધે બાહુ મચ્યો હતો પ્રલય શો સંહારમાં શત્રુના,
ઉન્હા લોહી તણી હતી નિકળતી શેડો સહુ અંગમાં!

તેમાં ઈન્દ્રધનુ રૂડું ચળકતું સૂર્યે પૂરેલું હતું,
તેમાં છાપ પડી હતી હૃદયના ઔદાર્ય ને શૌર્યની;
વીંઝાતાં વળી ખડ્‌ગ એ રુધિરની શેડો મહીંથી હતાં,
મ્હોં કૈં ભૂમિ પરે પડેલ શબનાં ધોવાઈ જાતાં હતાં.

શૂરા ત્યાં સુખથી પ્રહાર કરતા ને હર્ષથી ઝીલતા,
શૂરા હર્ષથી મૃત્યુના મુખ મહીં જાતા અને આવતા;
આ મૃત્યુ, બસ આ જ મૃત્યુ, જન સૌ ! જેથી ડરો છો તમે!
આ શૂરા, વળી આ જ શૌર્ય, જન સૌ ! જેને વખાણો તમે!

વખાણો ચાહો છો, વળી ક્યમ ડરો છો મરણથી?
ત્હમારા લોહીથી વળી ક્યમ કરો સ્નાન સુખથી?
બનો છો આ ભોળાં જન વતી ડરીને ખૂની તમે,
અરે! વીરો શૂરા! હૃદય તમ તો બીકણ ખરે!

ધરા માટે કાપી શિર જન તણાં તું ક્યમ શક્યો?
ધરા માટે પ્રેમી! વિસરી તુજ વ્હાલી ક્યમ શક્યો?
પડી છે મૂર્ચ્છામાં તુજ પ્રિયતમા બાપડી અરે!
અરે! તેના હૈયા ઉપર ખરડાયું રુધિર છે!

“દશ દિવસ આ વીત્યા, આવ્યો ! હવે મળવું નથી!”
લવી ઊઠી વળી કન્યા બોલી, “અરે! મળવું નથી!”
સ્મૃતિ નવ ખસે એ શબ્દોની, ડરે દિલ બાપડું,
નવ વળી શકે માની સાચો પ્રહાર પડેલ તે.

હરિ હરિ અરે! છૂપા ઘા આ ઘટે કરવા તને?
પ્રણયી દિલને વિના દોષે ઘટે હણવાં તને?
કદી કંઈ હશે દોષો ત્હોયે ક્ષમા નવ શું ઘટે?
તુજ સખત આ શિક્ષાથી રે! વિધિ! શુભ શું થશે?

કલાપીનો કેકારવ/૧૨૭