પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઝંખના
૨૩
 


તારી વીજલપાંખ ઊડી રહે વાદળ વાદળે,
પળમાં ક્ઝબકાવી જગવે સૂતા અંધાર :
તારાં સ્વર્ગતણાં દ્વારોના ઢાંકઉઘાડ એ
આંજે સૌને, પણ ક્યાં છે તુજ અંતરદ્વાર ?
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૪

રંગે રંગભર્યાં આભે તારાં પગલાં પડે,
જાણે એ પૂઠે પડતાં જડશે તુજ વાટ;
ઘડીના રંગો એ જગને ઝૂઅવી રહે; પણ હું તો
માગું તુજને, -નહીં તુજ વસ્ત્રોના ઝળકાટ !
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૫

તારી માયાનાં નખરાં મોહી રહે સર્વને,
મારું મનુજહૃદય સપડાય તહીં ધડી એક;
તારા ઠોકા ત્યાં સુણતાં જાગે ફરી આત્મ મુજ; -
આ તો તું નહીં, તારી છે પ્રતિમૂર્તિ અનેક !
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૬

જીવનભર આવાં જ રમકડાંથી શું રાચવું ?
અમારે રોવું ને તારે જોવું સંતાઈ ?
તું શું નવાં નવાં આપે તે નહીં ભાંગી જશે ?
જા રે !-આ તો તારી શાશ્વત સ્નેહઠગાઈ !
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૭