પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઝંખના
૨૫
 



પ્રભુનો જ સાથ

· રાગ માઢ — તાલ દાદરો ·

તારાં સ્વર્ગને શું કરું, નાથ હો ?
મને એક જ તારો સાથ ! -(ધ્રુવ)

પૃથ્વી પાતાળ આકાશ મેં શોધ્યાં,
શોધ્યા વિશ્વપ્રકાશ;
ઓછાં અધુરાંને શું કરું, આખર
ઓછી અધુરી રહે આશ રે :
મને એક જ તારો સાથ ! ૧

નવમે આકાશે મૂકું મુજ સીડી,
વચ્ચે મૂક્યે શું થાય ?
નાનાં મોટાં તુજ સ્વર્ગ હો ત્યાં, પણ
સુખની એ કેવળ છાંય રે :
મને એક જ તારો સાથ ! ૨

લાખો હો સૂર્યો ને લાખો હો સૃષ્ટિ,
લાખો હો સ્વર્ગનાં ધામ !
સર્વને છાઈ રહ્યો અંધાર, ત્યાં
ક્યાં જઈ શોધું આરામ રે ?
મને એક જ તારો સાથે ! ૩