આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪
કલ્યાણિકા
ઉરની ભરતી
• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •
કેમ રમાડું મનમાં, હરિ ! તને કેમ રમાડું મનમાં ?
ફાંસ પડી જીવનમાં, હરિ ! તને કેમ રમાડું મનમાં ? -(ધ્રુવ)
માયા માયા રમી રહી છે
તનમનમાં ખૂબ તાને;
એક તસુ પણ દિસે ન ખાલી,
રમવા ઘડી તુજ ગાને !
હરિ ! તને કેમ રમાડું મનમાં ? ૧
પ્રેમપાત્ર થઇને જે પેઠી,
તે જીવન લઈ બેઠી !
મનમિનારે ચિત્ર ચિતારે,
કેમ ઉતારું હેઠી ?
હરિ ! તને કેમ રમાડું મનમાં ? ૨