પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨ : કાંચન અને ગેરુ
 

પ્રત્યે જાપાનીઓને વેર હતું, અને બ્રિટનના મહોરા તરીકે વાપરવા માટે જાપાને હિંદ ઉપર આક્રમણ ઈચ્છ્યું હતું, એમ વિચારતાં મારી વેરભાવના જાપાનીઓને બદલે બ્રિટિશ સત્તા પ્રત્યે દોરાઈ અને આમ હિંદની આઝાદી અને નિરુપમાનું મિલન બન્ને આદર્શો મારે મન એક બની ગયા.

આઝાદ ફોજનો અંતિમ અંક સહુ કોઈ જાણે છે. અમેરિકાના ઍટમ બૉમ્બે જાપાનની જડ ઉખાડી નાખવાને ભય ઉપજાવ્યો, અને આખા પૂર્વ એશિયામાંથી જાપાની સત્તા ઓટની માફક ઊતરી ગઈ. આઝાદ ફોજ અને એનાં શસ્ત્ર નિરર્થક બન્યાં.સુભાષબાબુનો દેહ અલોપ થઈ ગયો; અને અમે સૈનિકો બંદીવાન બન્યા – અને છૂટ્યા પણ ખરા. આઝાદી તો ન આવી; આઝાદીની આશા હતી એના કરતાં જ્વલંત બની. ગુજરાતી તરીકે મને એક સિદ્ધિ હાથ લાગી : યુદ્ધની આવડત, કહો કે શસ્ત્રની આવડત. શસ્ત્રથી વેગળા નાસતા ગુજરાતે શસ્ત્ર મેળવ્યું અને બીજી પ્રજા જેટલી જ યશસ્વી ઢબે વાપર્યું એટલું ભાન મને થયું.

એ સર્વ સંજોગોમાં એક મુખ મારી આંખ આગળથી દૂર થતું નહિ. હું ધસતો હોઉં કે નાસતો હોઉં, હું મારતો હોઉં કે મરવાની અણી ઉપર હોઉં, વૃક્ષ ઉપર ચઢ્યો હોઉં, ખોમાં બેઠો હોઉં કે પર્વતના શૃંગે ચોકી કરતો હોઉં, વિજાયોન્માદમાં સૈનિકો સાથે 'જયહિંદ' પોકારતો હોઉં કે કોઈ ગુફામાં એકલો સંતાયો હોઉં : એક મુખ મારી આંખ આગળ તર્યા જ કરતું હતું - એ નિરુપમાનું મુખ.

શા માટે એમ થતું હશે એ કોઈ પૂછશો નહિ. અને સામાન્ય સૈન્યોની માફક સૈનિકોની સ્ત્રીભૂખ પૂરી પાડવા માટે આઝાદ ફોજમાં વ્યવસ્થિત સાધન ન હતું; આવા વ્યક્તિગત પ્રયત્ન પ્રત્યે તિરસ્કારની