પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦ : કાંચન અને ગેરુ
 

માનવી અને પાણીનાં મોજાને સરખાવતો હું કિનારે કિનારે આગળ વધ્યો. પૂનમની રાત વિચારપ્રેરક બને અને વિકારપ્રેરક પણ બને ! એ વિકાર પણ એક મોજું જ છે ને ? વ્યક્તિગત માનવીનું જીવન પણ એક નદીનો જ પ્રવાહ છે ને ? પરંતુ નદી સજીવન રહે છે; વ્યકિત સજીવન રહેતી નથી જ. વ્યક્તિ સાથે જ એનો સર્વસંગ્રહ લુપ્ત થઈ જાય છે. પાર્થિવસંગ્રહ રહે. એનાં ઘરબાર રહે. એના વ્યક્તિત્વથી વિખૂટાં પડી અનોખું વ્યક્તિત્વ ધરાવતાં એના સંતાનો રહે. પણ એનો તો નાશ જ ને ? વ્યક્તિના વિચાર, વ્યક્તિની કલ્પના, વ્યક્તિનાં સ્વપ્ન, વ્યક્તિના ગુણ, વ્યક્તિના દોશ, એ સર્વસંચય વ્યક્તિના દેહ સાથે જ–અરે, દેહનીયે પહેલાં શું લુપ્ત થઈ જવાનાં? વ્યક્તિનો પડછાયો પણ ન જીવે ?

'મોટાભાઈ!'

કિનારા ઉપર દૂરથી મેં એક બૂમ સાંભળી. હું ચમક્યો. આખા વાતાવરણમાં કોઈ માનવી હતું જ નહિ..મારા સિવાય. ઓળખાય એવો કંઠ લાગ્યો. મેં તે બાજુએ જોયું. ઝડપથી એક વ્યક્તિ મારી પાસે આવતી મેં નિહાળી. મારી ચમક કરતાં મારું આશ્ચર્ય વધી ગયું. મારી સામે વર્ષોથી મૃત્યુ પામેલો કુમાર આવતા હતો ! કુમારનો પુત્ર આવડો મોટો આટલાં વર્ષોમાં ન જ થાય. એનો બીજો ભાઈ પણ ન હતો, જે તેના સરખી મુખરેખા ધરાવતો હોવાનું કારણ બને !

‘કુમાર ! તું ?' આશ્ચર્યમાં ગૂંગળાતાં મેં પૂછ્યું.

'હા, હું જ. મને ન ઓળખ્યો?' કુમારે સામે પૂછ્યું.

'ઓળખ્યો તો બરાબર... પણ?'

'આપણે મળે ઘણો સમય થઈ ગયો, ઝટ ઓળખાણ ન પણ પડે. બધાં કેમ છે? ભાભી શું કરે છે?'

મને પૂછવાનું ભારે મન થઈ આવ્યું કે 'કુમાર, તું જીવતો છે?' પરંતુ એને આમ મારી સામે જ જીવંત ઊભેલો નિહાળી હું એ