પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮ : કાંચન અને ગેરુ
 

માટે હાથ લંબાવ્યો. આશ્લેષા ત્યાં ન હતી. તેણે મસ્તક ઊંંચકી શયનગૃહમાં આંખ ફેરવી. આશ્લેષા દૂર એક બીજા પલંગ ઉપર સંકોચાઈને સૂતી હતી !

આજે આખા દિવસમાં આશ્લેષા દેખાઈ ન હતી. ચા પીતી વખતે સાથે ન હોય એ તો સમજી શકાય; કદાચ કામને અંગે રોકાઈ હશે. પરંતુ જમતી વખતે તેણે માત્ર પીરસેલી થાળી જ સુનંદના લેખનખંડમાં મૂકી દીધી હતી. સુનંદ લખવામાં રોકાયો હતો એ સાચું; અને તેને મદદરૂપ થવા તે આમ મૂકી પણ જાય. પરંતુ ત્રીજા પહોરની ચા અને રાતના જમવા વખતે પણ એ સાથે બેઠી નહિ ! લખતી વખતે એ સાથે ન હોય એ પણ સારું; વગર હરકતે લખી શકાય. આશ્લેષા આમ તો ઘણી સારી; પરંતુ એને બોલવાનું બહુ જોઈએ. વગર બોલ્યે એ પાસે બેસતી હોય તો કેવું ? કદી નહિ અને આજે સુનંદને મૂકીને એ સિનેમા જોવા પણ રાત્રે ચાલી ગઈ!

'હુ પિકચર જોવા જાઉં. આવવું છે?' આશ્લેષાએ પૂછ્યું.

'જો ને, આટલો લેખ પૂરો કરી કાલે ટપાલમાં એ...'

સુનંદનું વાક્ય પૂરું થાય તે પહેલાં આશ્લેષાએ જવાબ આપ્યો: 'વારુ, લેખ પૂરો કર. હુ મોડી આવીશ.' કહી આશ્લેષાચિત્ર જોવા ચાલી જ ગઈ ! અને રાત્રે આવી પણ ઘણી મોડી ! સુનંદ ત્યારે જાગતો હતો અને કરોળિયાની માફક કલ્પનામાં વણેલા તાંતણા કાગળ ઉપર ઉતારતો હતો.

'બહુ મોડી આવી ! ' સુનંદે કહ્યું

'હા. એક નહિ પણ બે ચિત્ર મેં જોયાં.'

'પણ હું અહી એકલો...'

'એકલો ? મેં તને કદી એકલો જોયો જ નથી. તારી કલ્પના,