પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિશ્ચય : ૧૬૩
 

'ના, ભાઈ ! જરા યે થાક લાગ્યો નથી. આટલું પ્રકરણ પુરું કરી સૂઈ જાઉં.' રમા જવાબ આપતી.

ખરેખર, એણે ઘરકામમાં કે બાળઉછેરમાં સહુને લાગતો એવો થાક અનુભવ્યો પણ ન હતો; અને એ જાણતી પણ હતી કે લગ્ન માટે ભણતર જરૂરી હતું. લગ્ન માટે જરૂરી લાગતું ભણતર પછી તો સ્વતંત્ર ગમી ગયું. લગ્ન માટે જરૂરી હોય કે ન હોય તો ય ભણતર જીવન માટે અત્યંત આવશ્યક બની જતું લાગ્યું.

અને એમાં ઊંડી ઊંડી આશા પણ હતી. સુખી, સમૃદ્ધ ઘરમાં તેનું લગ્ન થાય તો ય તેના ભણતર દ્વારા તે માતાપિતાને ઉપયોગી ન થઈ પડે? કદી, જરૂર પડે તો ?

નાના ભાઈઓ અને એથી યે નાનાં ભાણેજો તો રમાને જ સતત જોઈ રહેતાં. 'બહેન ક્યાં છે?' 'બહેન મને શીખવે.' 'માશી સાથે જ હું જમીશ.' 'માશીવાર્તા નહિ કહે ત્યાં સુધી મારે સૂવું જ નથી.' 'માશી નવરાવે તો જ હું નાહું !' આવી આવી જક કરતાં બાળકો રમા વગર ડગલું પણ ભરતાં નહિ. કૉલેજમાંથી એના આવવાની એ સતત રાહ જોયા જ કરતાં, અને કદીક એને ઘેર આવ્યા પછી બીજે ક્યાંય જવાનું હોય તો બહુ નારાજ બની જતાં. માબાપને તો રમા આત્મા હતી જ; બાળકનો પણ એ જીવ બની ગઈ હતી ! એને પણ માતાપિતા કે બાળકને મૂકીને સભામાં જવું, સિનેમા જોવા જવું કે મિત્રોનાં ચાપાણીમાં જવું રુચતું નહિ – જોકે યુગપ્રવાહ સાથે ઘસડાઈ અપવાદ કરવો પડતો હતો ખરો ! તેમાં ય જ્યારે ગૌતમનો આગ્રહ થતો ત્યારે તો એની માતા પણ એના અપવાદને વધારવાની આજ્ઞા કરતી. કદી કદી ગૌતમ રમાને ઘેર પણ આવતો; પરંતુ પોતાના ઘરની સામાન્યતા ઉપર દયા ખાવાની કે મોટાઈ દર્શાવવાની તક કોઈને પણ આપવા રમા રાજી ન હતી. પોતાને ઘેર આવવા ગૌતમને તે કદી ઉત્તેજતી નહિ. સિનેમામાં કે ફરવામાં રમાનો સાથ ગૌતમ માગતો ત્યારે ઘણું ખરું