પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડબામાંની ગાય : ૨૦૯
 

કે ગાયનું હાડપિંજર ? તેના આખા દેહમાં એક પણ સ્થળ એવું ન હતું કે જ્યાં આપણને માંસલપણાનો ભાસ થાય. મેં મુખ બાજુએથી ગાયને જોઈ. જીવ જ ન હોય એવી ગાયની આંખો મૃત્યુના ઓળા વેરતી હતી. બન્ને બાજુએથી ગાયને નિહાળી. ચામડી ચીરીને એના હાડકાં બહાર નીકળી આવવા મથતાં હોય એમ મને લાગ્યું. આ ગાય જીવતી હશે? કે મરેલી ગાયનું ભૂત મારી સામે આવી ઊભું હતું ? ભૂતપ્રેતમાં હું માનતો નથી, છતાં હું ક્ષણભર કંપી રહ્યો. ગાય પ્રેત બને તો જરૂર મારી સામે ઊભેલી ગાયનો જ આકાર લે એમ મને ખાતરી થઈ. મનમાં એક સંતોષ તો જરૂર થયો કે બગીચાનો ચોર હાથ લાગ્યો હતો ! એ ગાય ક્યાંથી બગીચામાં પેસી ગઈ હશે તેની મેં તપાસ કરી. બધે જ વાડ અને તાર મજબૂત હતાં. કેવી રીતે ગાયે પ્રવેશ મેળવ્યો? ગાયનું ભૂત જ આમ પ્રવેશ મેળવી શકે ! મારા નોકરે એક ઢીલો પડેલો વાડનો ભાગ બતાવી મને કહ્યું : 'આમાંથી ગાય આવી ! '

'આટલામાંથી શી રીતે આવે ?'

'હાડકાંનો માળખો છે; એને વાગવાનું શું ? ગમે ત્યાંથી પેસી જાય !'

નોકરો સાથે વાતચીત કરવામાં હું બહું માનતો નથી. મેં આજ્ઞા કરી કે સવાર પડતાં બરાબર ગાયને ડબામાં પૂરી આવવી.

નગરનિવાસીઓને ડબો એટલે શું એની કદાચ ખબર ન પણ હોય. ડબો એટલે રેલ્વેનો ડબ્બો નહિ, ઘાસલેટનો નહિ, ઘરેણાં મૂકવાનો નહિ કે શાળામાં જતાં સધન બાળકોને નાસ્તો ભરી આપવાનો પણ નહિ. ગામનાં હરાયાં જાનવરને, તેમ જ કોઈનાં ઘર, ખેતર કે બગીચામાં નુકસાન કરે તેવાં જાનવરને પકડીને પૂરવાની સરકારે કે સુધરાઈ પંચાયતે રચેલી જગાને ડબો કહેવાય. ગ્રામનિવાસીઓ