પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડબામાંની ગાય : ૨૧૫
 

ગયા. ત્યાર પછી ન એણે એ કે રોપ ખાધો કે ન એકે ઘાસનું તણખલું મુખમાં મૂક્યું. આછું આછું પુચ્છ હલાવતી આંખમાંથી આછાંઆછાં પાણી સારતી સહુની સામે પૂર્ણ ઉદાસીનતાથી નિહાળતી ગાયનો પ્રાણ દેહમાંથી ઊડી ગયો ! એને કોઈની દયા પણ જોઈતી ન હતી.

મને લાગ્યું કે મારા પ્રાણમાંથી એક મહત્ત્વનો ભાગ મૃત્યુ પામે છે !

મારી આંખમાં અશ્રુ આવ્યાં. મારી પત્નીએ તે જોયાં. એણે મને કશું જ કહ્યું નહિ. મને તે દિવસે પત્નીએ એકલો જમવા બેસાડ્યો. મારા મુખમાં અન્ન ગયું જ નહિ.

'આપણે જમીને કેટકેટલી ગાયોને ભૂખે મારતા હોઈશું? બગીચાવાળા પણ?' મારાથી બોલાઈ ગયું.

મારી પત્નીએ એ દિવસે મને જમાડવાનો આગ્રહ પણ રાખ્યો.

પુષ્પ, વનસ્પતિ, પ્રાણી અને માનવીને એક દોરે બાંધતો પ્રાણ હજી આપણે ઓળખી શકતા નથી ! ડંગોરો લઈ, શસ્ત્રો સજી, વાડ દીવાલ ઊભી કરી આપણી મિલકતનું કે આપણી પ્રિય વસ્તુનું રક્ષણ કરતી વખતે સૃષ્ટિને એક બનાવતા તારને આપણે તોડી નાખીએ છીએ.

હજી યે ગાયને મારેલી ડાંગના પડેલા પડધા મને સંભળાયા કરે છે, અને કદી કદી હું નિદ્રામાંથી પણ એ અવાજ સાંભળી ચમકી જઈ બેઠો થઈ જાઉં છું !