પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વણઉકલી વાત : ૨૨૭
 

કૉલેજયુગમાંથી જ વળગે છે..' ચન્દ્રાનને કહ્યું.

‘કબૂલ. પણ એ ઘેલછા લાગી શી રીતે ?'

'સમજાવવું મુકેલ છે...પરંતુ...ઘેલછાના એ યુગમાં એક મુખ ગમી જાય...એટલે એ ચન્દ્રમાં દેખાય, તારાનાં ઝૂમખાંમાં દેખાય, પુષ્પોની ગૂંથણીમાં દેખાય... અરે, ખાલી હવામાં પણ દેખાય ! એનો કંઠ કોયલમાં સંભળાય, વાંસળીમાં સંભળાય... અને પછી શબ્દો એની આસપાસ ખીલતા જાય...બસએક વખત શબ્દ ઊતર્યા એટલે કવિતા આવી જ જાય !' ચન્દ્રાનને કહ્યું.

'પણ એ મુખ તમને હજી સુધી વર્ષો વીત્યા છતાં પ્રેરણા કેમ આપી શકે ? ' એક યુવતીએ શંકા પૂછી.

'અને એ મુખ ક્યાં ગયું ?' એક યુવકે પ્રશ્ન કર્યો.

'જેનું એ મુખ હતું તેને પ્રથમ ખબર જ નહિ કે મારી કવિતાની પ્રેરણા એમાં હતી.'

'પછી ખબર પડી કે નહિ ?'

'ખબર પડી...'

'તો પછી...એના વગરના કેમ રહ્યા, કવિસાહેબ?' વલ્લભદાસે પૂછ્યું.

'જે યુવતીનું એ મુખ હતું તે યુવતીને હું ભોળવી શક્યો હોત. પરંતુ..મેં એને મારું ઘર બતાવ્યું... નાનકડું ...ગરીબડું ઘર...'

શશીકલાનો ચાનો પ્યાલો ધ્રુજી સહેજ ચાનું પાણી રકાબીમાં ઢોળાયું. કોઈએ તે જોયું નહિ. બહુ જ છૂપી રીતે, બહુ જ ટૂંકામાં, એક અક્ષર પણ પડે તો આખી સાંકળ તૂટી જાય એવી ઢબે વાર્તાનાં બિંદુઓ ટપકાવતા કવિ ચન્દ્રાનનના શબ્દો ઉપર યુવકયુવતીનું ધ્યાન ટીંગાઈ રહ્યું હતું.

'એણે એ ઘર જરૂર પસંદ કર્યું હશે.' રશ્મિએ પૂછ્યું.

‘ના; એને હું કદાચ પસંદ પડ્યો હોઈશ, પણ મારું ઘર પસંદ ન પડ્યું !'