પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦ : કાંચન અને ગેરુ
 


'ભગવાનદાસભાઈ ! પ્રધાન સાહેબને લેવા તો બહુ માણસો જશે. પણ અમારા અંધને દોરનાર આપ સિવાય કોઈ નથી. આટલું એક કાગળિયું આપશ્રી વાંચી જાઓ..'

અંધોની જીભ બહુ ચાલે છે. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આવનાર પ્રધાનનું વિમાન ઝડપ કરી રહ્યું હતું ? તેમને વાત કરતા છોડી ભગવાનદાસભાઈ કપડાં પહેરી બહાર આવ્યા અને 'કાર' તૈયાર છે કેમ તેની તપાસ કરી.

'તે, સાહેબ ! અમને કાંઈ જવાબ...?' એક અંધે ઝડપથી પૂછ્યું.

'મને વખત નથી.'

'કાલે આવીએ?'

'કાલે ધારાસભાની બેઠકમાં જવું છે. દોઢબે માસ ત્યાં લાગશે.'

'ભાઈસાહેબ ! તમે તે અમારા નેતા છો...'

'તે તમારો મત લેવા આવું ત્યારે ના પાડજો...'

'એમ નહિ, ભાઈસાહેબ !... તમને તો પ્રધાનો યે મળશે, ધારાસભા યે મળશે અને મત પણ મળશે. પરંતુ અમને તો કંઈ મળતું જ નથી...આપના ઉપર આશા હતી...'

ભગવાનદાસભાઈ તેમને બોલતા છેડી સીડી ઊતરી ગયા; મારે પણ તેમની સાથે જ વિમાનગૃહ ઉપર જવાનું હતું. કારણ પ્રાન્તપ્રધાન પધારવાના હતા. સ્વરાજ્યમાં મહત્ત્વનાં કામો એટલાં વધી ગયાં છે કે એક અગર બીજા પ્રધાન સાહેબની અવર કે જવર વગરનો દિવસ ખાલી જતો જ નથી. ફૂલહારનો કંડિયો કારમાં મુકાવી અમે બંને બેઠા.

મેં પૂછ્યું :'પેલા અંધોને તો આજે જ જોયા...'

'અરે, કેટલા વખતથી મારો જીવ ખાય છે !'

'કેમ ?'

'હું પ્રમુખ થાઉં તો એમના ફંડમાં કાંઈ રકમ આવે એ આશાએ.'